ચંડોળા તળાવના વિસ્થાપિતોએ, મકાન દૂર કરાયા બાદ આવાસ ન ફાળવાતા વિરોધ પ્રદર્શન
- કોર્પોરેટરની મનપા કમિશનરને રજૂઆત, કહ્યું-મકાનો ફાળવી ન શકો તો અમે ચંડોળા તળાવમાં રહેવા જશું અમદાવાદ,03 સપ્ટેમ્બર (હિ.સ.) અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ચંડોળા તળાવ વિસ્તારમાં એપ્રિલ અને મે 2026માં કાચા-પાકા મકાન સહિતના દબાણો પર બુલડ
Displaced people of Chandola Lake protest against not being allocated housing after their houses were removed


- કોર્પોરેટરની મનપા કમિશનરને રજૂઆત, કહ્યું-મકાનો ફાળવી ન શકો તો અમે ચંડોળા તળાવમાં રહેવા જશું

અમદાવાદ,03 સપ્ટેમ્બર (હિ.સ.) અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ચંડોળા તળાવ વિસ્તારમાં એપ્રિલ અને મે 2026માં કાચા-પાકા મકાન સહિતના દબાણો પર બુલડોઝર ફેરવી દીધું હતું.ચંડોળા તળાવ ડિમોલિશન એપ્રિલ અને મે, 2026 એમ બે તબક્કામાં કરવામાં આવ્યું હતું. 12 હજાર જેટલા નાના-મોટા કાચા પાકા દબાણો મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા દૂર કરવામાં આવ્યા હતા. આ સમયે ભારતીય નાગરિકોના મકાનો દૂર કરવામાં આવ્યા હતા. ત્યારે જેમની પાસે ભારતીય નાગરિકો હોવાનો પુરાવા હતા તેમને મકાનો આપવા માટે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ફોર્મ પણ ભરાવવામાં આવ્યા હતા.

આજે અમદાવાદ મનપાના પૂર્વ વિપક્ષના નેતા અને દાણીલીમડા વોર્ડના કોંગ્રેસના કોર્પોરેટર શહેઝાદખાન પઠાણને સાથે રાખી દેખાવો કર્યા હતા.દાણીલીમડા વોર્ડના કોંગ્રેસના કોર્પોરેટર કહ્યું કે, જો તમે મકાન ન ફાળવી શકતા હોય તો અમે ચંડોળા તળાવમાં ફરીથી રહેવા જતા રહીશું અને હાઇકોર્ટ-સુપ્રીમ કોર્ટ સુધી હું જાતે લડીશ.

જો કે 6 મહિનાથી વધુ સમય થઈ ગયા બાદ પણ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા, આવાસ ફાળવવા માટેની કાર્યવાહી કરવામાં આવી નથી.

ત્યારે મકાન ફાળવણી અથવા મકાન ન ફાળવે ત્યાં સુધી 10 હજાર ભાડું આપવાની માગ સાથે ચંડોળા તળાવના 200થી વધારે લોકોનું ટોળું આજે 3 સપ્ટેમ્બરે સવારે 11 વાગ્યાની આસપાસ સાબરમતી રિવરફ્રન્ટ હાઉસ ખાતે પહોંચ્યું હતું. જેમાં કોંગ્રેસના કોર્પોરેટર શહેઝાદખાન પઠાણની આગેવાનીમાં લોકો કચેરી નીચે બેસી રહ્યા હતા. બેનરો અને 'હાય રે કમિશનર હાય હાય'ના સૂત્રોચ્ચાર સાથે વિરોધ કર્યો હતો. એક કલાક સુધી કચેરી નીચે બેસી રહ્યા બાદ શહેઝાદખાન પઠાણ સહિત વિસ્થાપિતો મનપા કમિશનરને રજૂઆત કરવા પહોંચ્યા હતા.

વિપક્ષના નેતા શહેઝાદખાન પઠાણ, ચંડોળા તળાવના વિસ્થાપિતના પરિવારની નાની દીકરીને લઈ મ્યુનિસિપલ કમિશનરને મકાન મેળવવા રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા. શહેઝાદખાને રજૂઆત કરી હતી કે, જો તમે મકાનો ફાળવી ન શકતા હોય તો અમે ચંડોળા તળાવમાં રહેવા જતા રહીશું. જ્યારે તમારે મકાન ફાળવવા હોય ત્યારે ફાળવજો પણ અમે ચંડોળા તળાવમાં રહીશું. જો તમે મકાનો નહી આપો તો અમે હાઇકોર્ટ અને સુપ્રીમ કોર્ટ સુધી જઈશું. હું જાતે આ લોકો માટે કોર્ટમાં જઈશ.

મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીએ જણાવ્યું હતું કે, મકાનો ફાળવવાની પ્રક્રિયા કરવામાં આવી રહી છે. જે મંજૂરી લેવામાં આવી રહી છે તેમાં થોડો સમય લાગી રહ્યો છે. કઈ જગ્યાએ મકાન પાડવા તેના માટે પણ અમે જગ્યા શોધી રહ્યા છીએ. 7,500 ભર્યા છે જે તમારા છે અને તમને મળશે.

ચંડોળા તળાવના અસરગ્રસ્તોને મકાન ફાળવવા બાબતે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર દિનેશ ગુરવ રમેશે જણાવ્યું હતું કે, ચંડોળા તળાવના અસરગ્રસ્તો પાસે મકાનો ફાળવવા માટેના ફોર્મ મંગાવાની પ્રક્રિયા કરવામાં આવી હતી. જેમાં 2,231 અસરગ્રસ્તો દ્વારા ફોર્મ ભરવામાં આવ્યા હતા. ફોર્મ દીઠ 50 રૂપિયા અને 7500 ડિપોઝિટ લેવામાં આવી હતી.

કોર્પોરેશન દ્વારા તે ફોર્મની ચકાસણી કરવામાં આવી છે. જેમાં બે માન્ય પુરાવાના 413 કુટુંબો છે. એક પુરાવો ધરાવનારા 874 કુટુંબો છે. 944 કુટુંબો પાસે કોઈપણ પ્રકારનો માન્ય પુરાવો નથી.

માન્ય પુરાવા વાળા 413 લોકો છે, જેના માટે સ્ટેન્ડિંગ કમિટીમાંથી ઠરાવ કરી અને આવાસ યોજનાના મકાનો ફાળવવાની પ્રક્રિયા કરવામાં આવી છે. જે અંતર્ગત રાજ્ય સરકાર પાસેથી પણ મંજૂરી મેળવવાની હોય છે જે પ્રક્રિયા અત્યારે કરવામાં આવી છે. આવાસ માટે લાભાર્થીની જે પણ ફી લેવાની હોય તે લઈ અને ત્યારબાદ પ્રક્રિયા નિયત સમયમાં પૂર્ણ કરવામાં આવશે.

હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ


 rajesh pande