મહેસાણામાં સ્વચ્છ ભારત મિશનના કર્મચારીઓની વેતન વધારો અને જોબ સિક્યુરિટીની માંગ
મહેસાણા, 30 સપ્ટેમ્બર (હિ.સ.) : સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ) અને નિર્મળ ગુજરાત યોજના હેઠળ જિલ્લા અને તાલુકા કક્ષાએ વર્ષોથી કરાર આધારિત ફરજ બજાવતા કર્મચારીઓએ વેતન વધારો અને જોબ સિક્યુરિટીની માંગ કરી છે. આ અંગે ગ્રામ વિકાસ વિભાગના કમિશનર તેમજ રાજ્યના ઉ
મહેસાણામાં સ્વચ્છ ભારત મિશનના કર્મચારીઓની વેતન વધારો અને જોબ સિક્યુરિટીની માંગ


મહેસાણા, 30 સપ્ટેમ્બર (હિ.સ.) : સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ) અને નિર્મળ ગુજરાત યોજના હેઠળ જિલ્લા અને તાલુકા કક્ષાએ વર્ષોથી કરાર આધારિત ફરજ બજાવતા કર્મચારીઓએ વેતન વધારો અને જોબ સિક્યુરિટીની માંગ કરી છે. આ અંગે ગ્રામ વિકાસ વિભાગના કમિશનર તેમજ રાજ્યના ઉપમુખ્યમંત્રી સમક્ષ આવેદનપત્ર રજૂ કરવામાં આવ્યું હોવાનું સામાજિક કાર્યકર તરુણ પટેલે જણાવ્યું હતું.

તેમના જણાવ્યા મુજબ, આ કર્મચારીઓ છેલ્લા 8થી 10 વર્ષથી વ્યક્તિગત અને સામુહિક શૌચાલય, ઘન-પ્રવાહી કચરા વ્યવસ્થાપન, ગ્રામ્ય સ્વચ્છતા તેમજ વિવિધ સ્વચ્છતા અભિયાનો સાથે જોડાઈને કામગીરી કરી રહ્યા છે. કર્મચારીઓએ વર્ષોનો અનુભવ અને સિનિયોરિટી ધ્યાને લઈ વેતનમાં વધારો તથા રોજગાર સુરક્ષા આપવાની માંગ કરી છે.

સામાજિક કાર્યકર તરુણ પટેલે કર્મચારીઓની માંગને સમર્થન આપતાં જણાવ્યું કે મોંઘવારી અને કામના ભારણમાં વધારો થયો હોવા છતાં વર્ષોથી સેવા આપતા કર્મચારીઓના વેતન અને રોજગાર સુરક્ષાના પ્રશ્નો યથાવત છે. તેમણે સરકાર સમક્ષ કર્મચારીઓની સિનિયોરિટી, અનુભવ અને જવાબદારીઓને ધ્યાનમાં રાખીને યોગ્ય વેતન નક્કી કરવા માંગ કરી છે.

આ ઉપરાંત રદ કરાયેલી મહત્વપૂર્ણ જગ્યાઓ પુનઃ શરૂ કરવા અને યોજનાના અસરકારક અમલીકરણ માટે જરૂરી માનવબળ જાળવવાની પણ રજૂઆત કરવામાં આવી છે. કર્મચારીઓની માંગ અંગે સરકાર દ્વારા યોગ્ય નિર્ણય લેવામાં આવે તેવી અપીલ કરવામાં આવી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR


 rajesh pande