જામનગર એરપોર્ટ પર આતંકી હુમલા સામે ચેતક કમાન્ડો અને તંત્રની હાઈ-લેવલ મોકડ્રીલ: ૪ આતંકીઓ ઢેર, તમામ બંધકો સુરક્ષિત
જામનગર, 04 સપ્ટેમ્બર (હિ.સ.) : જામનગર એરપોર્ટ ખાતે આતંકવાદી હુમલા જેવી ઈમરજન્સી પરિસ્થિતિ સામે સુરક્ષા વ્યવસ્થા ચકાસવા માટે એક હાઈ-લેવલ ''મોકડ્રીલ''નું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લા વહીવટી તંત્ર, સ્થાનિક પોલીસ અને ચેતક કમાન્ડો દ્વારા સં
હાઈ-લેવલ 'મોકડ્રીલ'નું સફળ આયોજન


જામનગર, 04 સપ્ટેમ્બર (હિ.સ.) :

જામનગર એરપોર્ટ ખાતે આતંકવાદી હુમલા જેવી ઈમરજન્સી પરિસ્થિતિ સામે સુરક્ષા વ્યવસ્થા ચકાસવા માટે એક હાઈ-લેવલ 'મોકડ્રીલ'નું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લા વહીવટી તંત્ર, સ્થાનિક પોલીસ અને ચેતક કમાન્ડો દ્વારા સંયુક્ત રીતે યોજાયેલા આ ઓપરેશનમાં એરપોર્ટ પરિસરમાં ઘૂસી આવેલા ૪ આતંકવાદીઓને ઠાર મારીને તમામ બંધકોને સહી-સલામત ઉગારી લેવામાં આવ્યા હતા. આ કવાયતનો મુખ્ય હેતુ અતિ સંવેદનશીલ ગણાતા જામનગર એરપોર્ટની સુરક્ષા વધુ મજબૂત બનાવવાનો અને કટોકટીના સમયે વિવિધ સરકારી એજન્સીઓ વચ્ચેનું સંકલન ચકાસવાનો હતો.

આ મોકડ્રીલ દરમિયાન એક કાલ્પનિક સિનારીયો ઊભો કરવામાં આવ્યો હતો, જેમાં ૪ આતંકવાદીઓ વાહનમાં આવીને એરપોર્ટ પરિસરમાં પ્રવેશ કરે છે અને બોમ્બ ધડાકાનો મારો ચલાવી નાગરિકોને બાનમાં પકડી લે છે. ઘટના અંગેનો મેસેજ મળતાની સાથે જ જિલ્લા પોલીસ તંત્ર, ચેતક કમાન્ડો અને ક્વિક રિસ્પોન્સ ટીમે ગણતરીની મિનિટોમાં સમગ્ર એરપોર્ટ વિસ્તારને કોર્ડન કરી લીધો હતો. સુરક્ષાના ભાગરૂપે તાત્કાલિક બુલેટ પ્રુફ વાહનો, ફાયર ફાઇટર અને એમ્બ્યુલન્સ સહિતના સાધનો ઘટનાસ્થળે ખડકી દેવાયા હતા.

આ દરમિયાન આતંકવાદીઓએ પોતાના જેલમાં બંધ ત્રણ સાથીઓને મુક્ત કરવાની, નાણાંની તથા વિમાનની માગણી કરી હતી. જોકે, કમાન્ડો અને સુરક્ષાદળોએ વ્યુહાત્મક ઓપરેશન પાર પાડી તમામ ૪ આતંકીઓનો ખાતમો બોલાવ્યો હતો. આ સાથે તૈનાત ડોગ સ્ક્વોડે સઘન ચેકિંગ કરીને આતંકીઓની કારમાંથી બોમ્બ બનાવવાની મોટી માત્રામાં વિસ્ફોટક સામગ્રી સમયસર શોધી કાઢી મોટી હોનારત અટકાવી હતી.

આ સમગ્ર સફળ ઓપરેશન જિલ્લા કલેક્ટર પી. બી. પંડ્યા અને પોલીસ અધિક્ષક ડો. રવિ મોહન સૈનીના સીધા માર્ગદર્શન હેઠળ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં ઓપરેશન કમાન્ડર કીર્તિદેવસિંહ ઝાલા, ડીવાયએસપી જયવિરસિંહ ઝાલા તથા પંડ્યા, અને એલસીબી પીઆઈ ચૌધરી સહિતના અધિકારીઓએ નેતૃત્વ પૂરું પાડ્યું હતું.

આ કવાયતમાં પોલીસ, આરોગ્ય, ફાયર બ્રિગેડ, પીજીવીસીએલ, સિવિલ ડિફેન્સ, મરીન કમાન્ડો અને બોમ્બ ડિસપોઝલ સ્ક્વોડ (BDS) વચ્ચે બહેતર સંકલન જોવા મળ્યું હતું. આ તાલીમ દ્વારા જામનગર જિલ્લાનું તંત્ર કોઈપણ પ્રકારની આકસ્મિક આપત્તિ કે આતંકી ઘટનાનો સામનો કરવા માટે પૂર્ણપણે સજ્જ હોવાનું સાબિત થયું છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande