
નવી દિલ્હી, 4 સપ્ટેમ્બરઃ રાષ્ટ્રીય બાળ અધિકાર સંરક્ષણ આયોગ (એન.સી.પી.સી.આર.) એ બાળ મજૂરી, બાળ તસ્કરી અને શોષણ સામે વિશેષ અખિલ ભારતીય અભિયાન હેઠળ 3,800 કરતા વધુ બાળકોને બચાવ્યા છે. જ્યારે આ કેસોમાં 575થી વધુ એફ. આઈ. આર નોંધવામાં આવી હતી.
આ વર્ષે 12 જૂનથી શરૂ થયેલું અભિયાન 31 ઓગસ્ટ સુધી ચાલ્યું હતું. મહિલા અને બાળ વિકાસ મંત્રાલય હેઠળ કાર્યરત એન. સી. પી. સી. આર. એ આ અભિયાન દરમિયાન રાજ્ય સરકારો અને કેન્દ્રશાસિત પ્રદેશોના વહીવટ, જિલ્લા મેજિસ્ટ્રેટ, શ્રમ વિભાગ, પોલીસ અને અન્ય સંબંધિત એજન્સીઓ સાથે સંકલન કરીને બાળ મજૂરી અને તસ્કરીના સ્થળો પર લક્ષિત બચાવ કામગીરી હાથ ધરી હતી.
આયોગે શુક્રવારે એક પ્રકાશનમાં જણાવ્યું હતું કે, આ અભિયાન હેઠળ અધિકારીઓને બચાવ કામગીરી, બચાવવામાં આવેલા બાળકો, નોંધાયેલી એફ. આઈ. આર., પુનર્વસન, શિક્ષણ જોડાણો અને વળતર વગેરે અંગે નિયમિત અપડેટ્સ આપવા માટે કહેવામાં આવ્યું હતું.
એન.સી.પી.સી.આર. એ આ અભિયાન પર નજર રાખવા માટે જિલ્લા વહીવટીતંત્ર સાથે બેઠકો પણ યોજી હતી. આ બેઠકોમાં બચાવ કામગીરીની સમીક્ષા, પાયાના સ્તરની સમસ્યાઓનું સમાધાન, લેવામાં આવેલી કાર્યવાહીના અહેવાલો સમયસર રજૂ કરવા અને વિવિધ વિભાગો વચ્ચે વધુ સારા સંકલન પર ભાર મૂકવામાં આવ્યો હતો.
આયોગે સોશિયલ મીડિયા અને અન્ય સંચાર ચેનલો દ્વારા જાહેર જાગૃતિ અભિયાનો પણ હાથ ધર્યા હતા. આ દ્વારા લોકોને બાળ મજૂરીની જાણ કરવા અને બચાવવામાં આવેલા બાળકોના પુનર્વસન અને તેમને મુખ્ય પ્રવાહના શિક્ષણ સાથે જોડવાના મહત્વ વિશે માહિતી આપવામાં આવી હતી.
હિન્દુસ્થાન સમાચાર /વિજયાલક્ષ્મી/સંજીવ પાશ
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ