


પોરબંદર, 05 સપ્ટેમ્બર (હિ.સ.) : પોરબંદરમાં
શ્રી કૃષ્ણસખા સુદામા સાંસ્કૃતિક લોકમેળો–2026નું ભવ્ય આયોજન ચાલી રહ્યું છે
ત્યારે મેળામાં આવતા લોકોની સલામતી અને સરળ અવરજવર સુનિશ્ચિત કરવા પોરબંદર
મહાનગરપાલિકા દ્વારા ફાયર સેફ્ટી તથા ફાયર નોમ્સનું કડક પાલન કરાવવામાં આવી રહ્યું
છે. મેળાના પ્રથમ દિવસે રાત્રિના સમયે મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર મનન
ચતુર્વેદી અને એન્જિનિયરોની ટીમ દ્વારા મેળા ગ્રાઉન્ડમાં સ્થળ નિરીક્ષણ કરી માર્ગો
ઉપર થયેલા અનધિકૃત દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.
મેળા
ગ્રાઉન્ડમાં લોકો સરળતાથી અવરજવર કરી શકે અને આકસ્મિક પરિસ્થિતિમાં ઇમરજન્સી
સેવાઓના વાહનોને પણ સરળતાથી માર્ગ મળી રહે તે માટે મુખ્ય માર્ગો ઉપરના દબાણો દૂર
કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત, કેટલાક
લારીધારકો દ્વારા રેકડીમાં આગ પ્રગટાવી મગફળીના ઓરા સહિતની ખાદ્ય ચીજવસ્તુઓનું
વેચાણ કરવામાં આવતું હોવાનું ધ્યાનમાં આવતા, આગ લાગવાની સંભાવના અને ફાયર સેફ્ટીના નિયમોને ધ્યાનમાં રાખી આવી
લારીઓને મેળા મેદાનમાંથી હટાવવાની કાર્યવાહી કરવામાં આવી હતી. ચાલુ વર્ષે મેળાના
લેઆઉટ મુજબ મુખ્ય માર્ગોને અગાઉની સરખામણીએ વધુ પહોળા રાખવામાં આવ્યા છે. તેમજ
મુખ્ય માર્ગો એકબીજાથી પૂરતા અંતરે રાખવામાં આવ્યા છે, જેથી મોટી સંખ્યામાં લોકોની અવરજવર
દરમિયાન પણ માર્ગો ખુલ્લા રહે અને કોઈ આકસ્મિક સંજોગોમાં લોકો સરળતાથી સલામત સ્થળે
પહોંચી શકે. ફાયર ફાઈટિંગ અને ઇમરજન્સી સેવાઓને ધ્યાનમાં રાખીને પણ જરૂરી માર્ગ
વ્યવસ્થા કરવામાં આવી છે.
લોકમેળા દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને અને
મુલાકાતીઓની સુરક્ષા જળવાઈ રહે તે માટે મહાનગરપાલિકા તંત્ર દ્વારા સતત દેખરેખ
રાખવામાં આવી રહી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya