


પોરબંદર, 05 સપ્ટેમ્બર (હિ.સ.) પોરબંદરમાં
શ્રીકૃષ્ણ સખા સુદામા સાંસ્કૃતિક લોકમેળો–2026નું ભવ્ય આયોજન ચાલી રહ્યું છે
ત્યારે મેળાના બીજા દિવસના સમાપન બાદ પોરબંદર મહાનગરપાલિકાની
સેનિટેશન શાખા દ્વારા રાત્રિના સમયે સઘન સફાઈ કામગીરી હાથ ધરવામાં આવી હતી. મેળા
મેદાન, ચોપાટી તેમજ આસપાસના રોડ-રસ્તાઓ પર
સ્વચ્છતા જળવાઈ રહે તે માટે સેનિટેશન શાખાના અંદાજિત 100 કર્મચારીઓની ટીમ દ્વારા
મેળો પૂર્ણ થતાં જ સફાઈ કામગીરી શરૂ કરવામાં આવી હતી.
મેળા દરમિયાન એકત્ર થયેલા
કચરાને તાત્કાલિક દૂર કરી સમગ્ર વિસ્તારને સ્વચ્છ બનાવવાની કામગીરી કરવામાં આવી
હતી. સફાઈ કામગીરી માટે મહાનગરપાલિકા દ્વારા 10 છોટા હાથી, 5 ટ્રેક્ટર, 1 જેસીબી, 2 ડમ્પર અને 1 ડબ્બાવાળી ગાડી સહિતના વાહનોનો ઉપયોગ કરવામાં આવ્યો
હતો. મેળાના પ્રથમ દિવસે મેળા મેદાન, ચોપાટી તથા આસપાસના રોડ પરથી અંદાજિત 75 ટન જેટલો કચરો દૂર કરવામાં
આવ્યો હતો.
મોટી સંખ્યામાં નાગરિકો અને મુલાકાતીઓ મેળામાં ઉમટી પડતા હોવાથી
સ્વચ્છતા વ્યવસ્થા જળવાઈ રહે તે માટે મહાનગરપાલિકા દ્વારા રાત્રિના સમયે જ સફાઈ
કામગીરી હાથ ધરી સમગ્ર વિસ્તારને સ્વચ્છ કરવામાં આવ્યો હતો. લોકમેળાના સમગ્ર
સમયગાળા દરમિયાન સ્વચ્છતા વ્યવસ્થા સુચારુ રહે અને નાગરિકોને સ્વચ્છ તથા સ્વસ્થ
વાતાવરણ મળી રહે તે માટે મહાનગરપાલિકાની સેનિટેશન શાખાની ટીમ દ્વારા સતત સફાઈ
કામગીરી કરવામાં આવી રહી છે.
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya