
કચ્છ, 05 સપ્ટેમ્બર (હિ.સ.) વરસાદની ખેંચ વચ્ચે જળાશયો સુકાતા જલચરો રહેણાંક વિસ્તાર તરફ, સ્થાનિકોએ સાહસપૂર્વક કર્યું રેસ્ક્યુ. કચ્છમાં વરસાદની ખેંચ વચ્ચે જળાશયોમાં પાણીનું પ્રમાણ ઘટી રહ્યું છે ત્યારે પાણીની શોધમાં જળચરો માનવ વસાહતો અને વાડી વિસ્તારો તરફ આવી રહ્યા હોવાના બનાવો સામે આવી રહ્યા છે. નખત્રાણા તાલુકાના રસલીયા ગામ નજીક આવેલા વાડી વિસ્તારમાં આવો જ એક ચોંકાવનારો બનાવ સામે આવ્યો હતો. અહીં અંદાજે 7થી 8 ફૂટ લાંબો મગર દેખાતા આસપાસના વિસ્તારમાં થોડા સમય માટે ભય અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
મળતી માહિતી મુજબ, રસલીયા ગામની નજીક આવેલી વાડી વિસ્તારમાં સ્થાનિકોની નજર અચાનક વિશાળ કદના મગર પર પડી હતી. વાડી વિસ્તારમાં મગર દેખાતાં આસપાસના લોકોમાં દોડધામ મચી ગઈ હતી. વિશાળકાય મગરને જોવા માટે લોકો એકત્ર થયા હતા, જોકે તેની નજીક જવાનું જોખમ હોવાથી સાવચેતી પણ રાખવામાં આવી હતી.
મગરની હાજરી અંગે જાણ થતાં સ્થાનિકોએ પરિસ્થિતિને ગંભીરતાથી લઈ તેને સુરક્ષિત રીતે પકડવાની કામગીરી હાથ ધરી હતી. ભારે જહેમત બાદ મગરનું સફળતાપૂર્વક રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ તેને માનવ વસાહતથી દૂર આવેલા સુરક્ષિત તળાવમાં ખસેડવામાં આવ્યો હતો. મગરને કોઈ ઈજા ન થાય અને લોકો માટે પણ જોખમ ઊભું ન થાય તે રીતે સમગ્ર કામગીરી કરવામાં આવી હોવાનું જાણવા મળે છે.
આ ઘટનાએ ફરી એકવાર કચ્છના જળચરો અને બદલાતી પર્યાવરણીય પરિસ્થિતિ વચ્ચેના સંબંધ તરફ ધ્યાન દોર્યું છે. ચોમાસાની ઋતુમાં અપેક્ષા મુજબ વરસાદ ન પડતાં અનેક ડેમ, તળાવો અને કુદરતી જળસ્ત્રોતોમાં પાણીનું સ્તર ઘટી રહ્યું છે. પરિણામે પાણી અને ખોરાકની શોધમાં મગર જેવા જળચરો પોતાના કુદરતી નિવાસસ્થાનથી બહાર નીકળી નજીકના ખેતરો, વાડીઓ તથા રહેણાંક વિસ્તારો તરફ આગળ વધી રહ્યા હોવાની શક્યતા છે.
રસલીયા ગામની આ ઘટનાએ ગ્રામજનોમાં ચિંતા સાથે સાથે વન્યજીવો પ્રત્યે સાવચેતી અને સંવેદનશીલતા રાખવાની જરૂરિયાત પણ ઉભી કરી છે. જંગલી પ્રાણી દેખાય ત્યારે લોકો તેની નજીક જવાને બદલે તાત્કાલિક જવાબદાર તંત્ર અથવા રેસ્ક્યુ ટીમને જાણ કરે તે વધુ સલામત ગણાય છે.
હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar