
પોરબંદર, 05 સપ્ટેમ્બર (હિ.સ.) જન્માષ્ટમીના પાવન પર્વે પોરબંદરના ચોપાટી મેદાન
ખાતે શ્રી કૃષ્ણસખા સુદામા સાંસ્કૃતિક લોકમેળો–2026નો ભવ્ય શુભારંભ કરવામાં આવ્યો હતો. આ
શુભ પ્રસંગે પોરબંદર મહાનગરપાલિકા દ્વારા મહાનગરપાલિકાના કર્મચારીઓ તથા નિવૃત્ત
પેન્શનરોને વર્ષ 2012થી 2025 સુધીના લાંબા સમયથી બાકી રહેલા મોંઘવારી એરિયર્સનો લાભ આપવામાં
આવ્યો હતો. કુલ 824 કર્મચારીઓ અને પેન્શનરોને રૂ. 2,2751,943 ની રકમનું ચુકવણું કરવામાં આવ્યું છે.
કેન્દ્રીય કેબિનેટ મંત્રી ડૉ.
મનસુખ માંડવિયા તથા ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી અર્જુન મોઢવાડિયા અને મહાનગરપાલિકાના મેયર
સાગરભાઇ મોદીના હસ્તે લોકમેળાના શુભારંભ પ્રસંગે લાભાર્થી કર્મચારીઓને સ્ટેજ પરથી
પ્રતીકાત્મક રીતે એરિયર્સના લાભનું વિતરણ કરવામાં આવ્યું હતું. જન્માષ્ટમીના પાવન
પર્વ અને લોકમેળાના આનંદમય માહોલમાં લાંબા સમયથી બાકી રહેલા એરિયર્સનો લાભ મળતા મહાનગરપાલિકાના
કર્મચારીઓ અને નિવૃત્ત પેન્શનરોમાં આનંદની લાગણી જોવા મળી હતી.
પોરબંદર
મહાનગરપાલિકાના જનરલ વિભાગના કુલ 263 કર્મચારીઓને 72 ટકાથી 113 ટકા સુધીના એરિયર્સ અંતર્ગત કુલ રૂ. 46,57,029નો લાભ આપવામાં આવ્યો છે. મહાનગરપાલિકામાંથી
નિવૃત્ત થયેલા કુલ 177 પેન્શનર કર્મચારીઓને 72 ટકાથી 257 ટકા સુધીના એરિયર્સ અંતર્ગત કુલ રૂ. 75,85,455ની રકમનો લાભ આપવામાં આવ્યો છે. જ્યારે
મહાનગરપાલિકાના સેનિટેશન વિભાગના કુલ 392 કર્મચારીઓને 72 ટકાથી 136 ટકા સુધીના એરિયર્સ અંતર્ગત કુલ રૂ. 1,15,09,459 નો લાભ આપવામાં આવ્યો છે. આમ, જનરલ વિભાગના 263 કર્મચારીઓ, 177 પેન્શનરો તથા સેનિટેશન વિભાગના 392 કર્મચારીઓ મળી કુલ 824 લાભાર્થીઓને રૂ. 2,37,51,943ના બાકી મોંઘવારી એરિયર્સનું ચુકવણું કરવામાં આવ્યું છે. શ્રી
કૃષ્ણસખા સુદામા સાંસ્કૃતિક લોકમેળા–2026ના ભવ્ય શુભારંભ પ્રસંગે પરંપરા, સંસ્કૃતિ અને ઉત્સવના માહોલ સાથે
મહાનગરપાલિકાના કર્મચારીઓના હિતને પણ મહત્વ આપવામાં આવ્યું હતું.
જન્માષ્ટમીના શુભ
અવસરે મહાનગરપાલિકાના મહત્તમ લાભાર્થી કર્મચારીઓને સ્ટેજ પરથી પ્રતીકાત્મક રીતે
એરિયર્સના લાભનું વિતરણ કરવામાં આવ્યું હતું. લાંબા સમયથી બાકી રહેલા હક્કના એરિયર્સનું
ચુકવણું થતાં કર્મચારીઓ તથા નિવૃત્ત પેન્શનરોને આર્થિક રાહત મળી છે. લોકમેળાના
શુભારંભ પ્રસંગે પૂર્વ કેબિનેટ મંત્રી બાબુભાઈ બોખીરીયા, પોરબંદર છાયા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ
તથા જિલ્લા ભાજપ પ્રમુખ ડૉ. ચેતના તિવારી, પોરબંદર મહાનગરપાલિકાના ડેપ્યુટી મેયર મનીષ શિયાળ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન વિક્રમ ઓડેદરા, પોરબંદર જિલ્લા વિકાસ અધિકારી બી. બી.
ચૌધરી, નિવાસી અધિક કલેક્ટર આશિષ મિયાત્રા, પ્રાંત અધિકારી સંદીપ જાદવ, નાયબ મ્યુનિસિપલ કમિશનર કિશન ગળચર, મનન ચતુર્વેદી, સુદામા ડેરીના ચેરમેન આકાશ રાજ્શાખા, મહામંત્રી પ્રવીણ ખોરાવા, શહેર ભાજપ પ્રમુખ લકિરાજસિંહ વાળા
સહિતના મહાનુભાવો, અગ્રણીઓ, અધિકારીઓ તથા મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya