
મહેસાણા, 06 સપ્ટેમ્બર (હિ.સ.) વડનગર સ્માર્ટ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા પ્રોહિબીશનના ગુનામાં નાસતા ફરતા આરોપીને મહેસાણા પેરોલ/ફર્લો સ્કોડે વિસનગરમાંથી ઝડપી પાડ્યો છે. ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન સોર્સની મદદથી આરોપીનું લોકેશન મેળવી પોલીસે કાર્યવાહી કરી હતી.
મળતી માહિતી મુજબ, વડનગર સ્માર્ટ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબીશન એક્ટની કલમ 65-એઈ, 116-બી અને 98(2) મુજબ ગુનો નોંધાયો હતો. આ ગુનામાં વિસનગરના ભાથીટેબા વિસ્તારમાં રહેતો 24 વર્ષીય નંદુજી ગણેશજી ઠાકોર નાસતો ફરતો હતો. આરોપીને ઝડપી પાડવા મહેસાણા પેરોલ/ફર્લો સ્કોડ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી.
દરમિયાન પેરોલ/ફર્લો સ્કોડના PC દિગ્વીજયસિંહ અને PC રવિકુમારને ટેકનિકલ તેમજ હ્યુમન સોર્સના આધારે માહિતી મળી હતી કે, આરોપી વિસનગર ટાઉનના મહેસાણા ચોકડી પાસે આવેલા એક પાન પાર્લર નજીક ઉભો છે. માહિતીના આધારે પોલીસ ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. ત્યાં આપેલા વર્ણન મુજબનો શખ્સ મળી આવતા પોલીસે તેને કોર્ડન કરી ઝડપી લીધો હતો.
પોલીસે પૂછપરછ કરતાં આરોપીએ પોતાનું નામ નંદુજી ગણેશજી ઠાકોર હોવાનું જણાવ્યું હતું. આરોપીને 06 સપ્ટેમ્બરે વડનગર સ્માર્ટ પોલીસ સ્ટેશન ખાતે લાવી જરૂરી નોંધ કર્યા બાદ આગળની કાયદેસરની કાર્યવાહી માટે સોંપવામાં આવ્યો છે.
આ કામગીરી PSI કે.જી. ચૌધરીના માર્ગદર્શન હેઠળ PC દિગ્વીજયસિંહ ગીરીશસિંહ અને PC રવિકુમાર સેવંતીભાઈએ કરી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR