
મહેસાણા, 06 સપ્ટેમ્બર (હિ.સ.) વડનગર સ્માર્ટ પોલીસે દેશી દારૂના ગેરકાયદે વેચાણની પ્રવૃત્તિ સાથે સંકળાયેલા એક શખ્સ સામે પાસા હેઠળ કાર્યવાહી કરી છે. પોલીસના જણાવ્યા મુજબ, આરોપી વિરુદ્ધ અગાઉ પણ પ્રોહિબીશનના એકથી વધુ ગુના નોંધાયેલા હોવાથી તેની ગેરકાયદે પ્રવૃત્તિ પર અંકુશ લાવવા આ કાર્યવાહી કરવામાં આવી છે.
મળતી માહિતી મુજબ, વડનગર સ્માર્ટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં સુલતાનપુરા-જીવાપુરા ઉંટવાડિયાના આંટામાં કેનાલ નજીક રહેતો સુભાષજી વરવાજી વનાજી ઠાકોર દેશી દારૂના ગેરકાયદે વેચાણ સાથે સંકળાયેલ હોવાની પોલીસને માહિતી હતી. આરોપી સામે વડનગર સ્માર્ટ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબીશનના એકથી વધુ ગુના નોંધાયેલા હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું હતું.
પોલીસના જણાવ્યા મુજબ, આરોપી કોઈ નિયમિત કામ કે નોકરી કરતો ન હોવાનું અને પોલીસની નજરથી બચીને વડનગર સ્માર્ટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા ગામોમાં દેશી દારૂનું વેચાણ કરતો હોવાની ફરિયાદો મળી હતી. તેની ગેરકાયદે પ્રવૃત્તિના કારણે સ્થાનિક લોકોના સ્વાસ્થ્ય અને આર્થિક સ્થિતિ પર અસર થવાની સાથે જાહેર વ્યવસ્થાને પણ નુકસાન થવાની શક્યતાને ધ્યાનમાં લેવામાં આવી હતી.
આથી આવી પ્રવૃત્તિ પર રોક લગાવવા અને જાહેર વ્યવસ્થા જાળવવાના હેતુથી ગુજરાત અસામાજિક પ્રવૃતિ અટકાવવાના અધિનિયમ (પાસા) હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે. સમગ્ર કાર્યવાહી નાયબ પોલીસ અધિક્ષક જે.ડી. કસારા, વડનગર સ્માર્ટ પોલીસના PI ઓ.પી. સિસોદિયા અને LCB PI એ.એમ. કામળીયાના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR