
મહેસાણા, 06 સપ્ટેમ્બર (હિ.સ.) : વિસનગર તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા અપહરણના ગુનામાં છેલ્લા એક વર્ષથી નાસતા ફરતા આરોપીને મહેસાણા પેરોલ/ફર્લો સ્કોડે ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના મગનાદ ગામેથી ઝડપી પાડ્યો છે. પોલીસની ટીમે ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન સોર્સની મદદથી આરોપીનું ચોક્કસ લોકેશન મેળવી કાર્યવાહી કરી હતી.
મળતી માહિતી મુજબ, વિસનગર તાલુકા પોલીસ સ્ટેશનમાં BNSની કલમ 137(2), 87 સહિતની કલમો હેઠળ નોંધાયેલા ગુનામાં ઉંઝા તાલુકાના ઉપેરા ગામના મોટો ઠાકોરવાસ ખાતે રહેતો 20 વર્ષીય વિજયજી શિવાજી પ્રતાપજી ઠાકોર નાસતો ફરતો હતો. તેને ઝડપી પાડવા મહેસાણા પેરોલ/ફર્લો સ્કોડ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી.
દરમિયાન ASI જયદિપસિંહ અને HC હર્ષદસિંહને ટેકનિકલ સોર્સથી આરોપી ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના મગનાદ ગામની નવીનગરી વિસ્તારમાં રહેતો હોવાની માહિતી મળી હતી. જેના આધારે ASI જયદિપસિંહ, ASI અનિરુધ્ધ અને HC હર્ષદસિંહની ટીમ 05 સપ્ટેમ્બરે જંબુસર પહોંચી હતી. સ્થાનિક પોલીસની મદદ અને હ્યુમન સોર્સના આધારે તપાસ કરતાં આરોપી પોતાના ઘરે હાજર હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસે ઘેર પહોંચી આરોપીને કોર્ડન કરી ઝડપી લીધો હતો.
આરોપીને જંબુસર પોલીસ સ્ટેશન ખાતે લઈ જઈ નોંધ કર્યા બાદ 06 સપ્ટેમ્બરે વિસનગર તાલુકા પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે. આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ કામગીરી PSI કે.જી. ચૌધરીના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR