
સોમનાથ,7 સપ્ટેમ્બર (હિ.સ.) દેવાધિદેવ મહાદેવની આરાધનાના પરમ પર્વ એવા પવિત્ર શ્રાવણ માસના અંતિમ તબક્કામાં શ્રી સોમનાથ તીર્થધામ ખાતે ભક્તિનો અનોખો ત્રિવેણી સંગમ રચાયો છે. શ્રાવણ વદ દશમ તથા રવિવારના અલૌકિક સુભગ સમન્વયે દેશ-વિદેશમાંથી ઉમટી પડેલા લાખો શ્રદ્ધાળુઓની ઉપસ્થિતિ વચ્ચે સોમનાથ મહાદેવને અત્યંત ભાવપૂર્વક વિશિષ્ટ ‘બિલ્વપત્ર શૃંગાર’ અર્પણ કરવામાં આવ્યો હતો. સમગ્ર મંદિર પરિસર હર હર મહાદેવ અને જય સોમનાથના ગગનભેદી નાદથી ગુંજી ઊઠ્યું હતું.
શાસ્ત્રોમાં બિલ્વપત્રની મહિમાનું વર્ણન કરતાં કહેવાયું છે કે:
दर्शनं बिल्ववृक्षस्य स्पर्शनं पापनाशनम्।
अघोर पापसंहारं बिल्वपत्रं शिवार्पणम् ।।
અર્થાત્: બિલ્વવૃક્ષનું માત્ર દર્શન અને સ્પર્શ કરવાથી સમસ્ત પાપોનો નાશ થાય છે, અને શિવજીને બિલ્વપત્ર અર્પણ કરવાથી જીવ ઘોર પાપોના બંધનમાંથી મુક્ત થઈ પરમ શાંતિ પ્રાપ્ત કરે છે.
આ પાવન શાસ્ત્રોક્ત ભાવ સાથે સોમનાથ જ્યોતિર્લિંગ પર હજારો ત્રિદલ બિલ્વપત્રોથી કરવામાં આવેલો મનોહર શૃંગાર દર્શનાર્થીઓ માટે દિવ્ય આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો. શિવલિંગ પર અલંકારો સાથે સુસજ્જિત બિલ્વપત્રોના આ અદ્ભુત સ્વરૂપનાં દર્શન કરી ભક્તોએ આધ્યાત્મિક ઊર્જાનો અનુભવ કર્યો હતો.
પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા દરરોજ મહાદેવના નિતનવા, અલૌકિક શૃંગારનું આયોજન કરવામાં આવે છે. શ્રાવણના અંતિમ દિવસોમાં ઉમટતી વિશાળ જનમેદનીને ધ્યાને રાખી દર્શન વ્યવસ્થા, સુરક્ષા અને સુવિધાઓનું સુચારુ સંચાલન કરવામાં આવ્યું છે, જેથી દરેક ભાવિક શાંતિપૂર્ણ અને સુગમ રીતે દાદા સોમનાથના આશીર્વાદ પ્રાપ્ત કરી શકે.
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ