
ભાવનગર, 07 સપ્ટેમ્બર (હિ.સ.)ભાવનગર જિલ્લાના શકરપુર ગામની પ્રાથમિક શાળાની એક સાથે ત્રણ દીકરીઓ રીના, ઈશા અને પ્રિયાનું તળાવમાં ડૂબી જવાથી થયેલું કરુણ મૃત્યુ સમગ્ર પરિવાર તેમજ સમાજ માટે હૃદયદ્રાવક ઘટના બની છે. ત્રણેય દીકરીઓ ગુમાવવાના અપૂરણીય આઘાત વચ્ચે પિતા અશ્વિનભાઈ બારૈયા અને તેમના પરિવારજનો દુઃખમાં ગરકાવ છે. દીકરીઓને ગુમાવ્યાનું દુઃખ કોઈ આર્થિક સહાયથી દૂર થઈ શકે તેમ નથી, પરંતુ આવા કપરા સમયે મળતો સંવેદનાનો સહારો પરિવારને હિંમત આપતો હોય છે.
આ દુઃખદ સમયે પૂજ્ય મોરારીબાપુના ચિત્રકૂટ ધામ, તલગાજરડા, તાલુકો મહુવા, જિલ્લો ભાવનગરના પ્રતિનિધિ દ્વારા શિક્ષકદિનના પવિત્ર દિવસે ત્રણેય દીકરીઓના પરિવારને કુલ રૂ.45 હજારની આર્થિક સહાય કરવામાં આવી હતી. આ સહાય માત્ર નાણાકીય મદદ પૂરતી સીમિત ન રહેતા પરિવારની પડખે ઊભા રહેવાની માનવતાભરી લાગણીનો સંદેશ બની છે.
પૂજ્ય મોરારીબાપુ દ્વારા કરવામાં આવેલી આ સહાયથી દુઃખની આ ઘડીમાં પરિવારને સાંત્વના અને સહકારનો અનુભવ થયો હતો. આ પ્રસંગે પરિવારને અસહ્ય દુઃખ સહન કરવાની શક્તિ મળે અને દિવંગત દીકરીઓની આત્માને શાંતિ મળે તેવી પ્રાર્થના કરવામાં આવી હતી.
સમાજમાં જ્યારે કોઈ પરિવાર આ પ્રકારની અણધારી આફતનો સામનો કરે ત્યારે તેની સાથે ઊભા રહેવું એ જ સાચી માનવતા છે. પૂજ્ય મોરારીબાપુની આ સંવેદનશીલ પહેલે ફરી એકવાર સેવા, સહકાર અને કરુણાની ભાવનાને ઉજાગર કરી છે. માનવતાની આ સેવા અવિરત વહેતી રહે અને જરૂરિયાતમંદ પરિવારો સુધી આશા અને સહકાર પહોંચતો રહે તેવી શુભકામનાઓ વ્યક્ત કરવામાં આવી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA