રૂ.11 હજારના ખર્ચે યુવા ખેડૂતે તૈયાર કર્યું ગ્રીનહાઉસ, 12 હજારથી વધુ શાકભાજીના રોપા ઉછેર્યા
ભાવનગર, 07 સપ્ટેમ્બર (હિ.સ.)ભાવનગર જિલ્લાના જેસર તાલુકાના સનાળા ગામના યુવા ખેડૂતે આધુનિક ખેતી પદ્ધતિ અપનાવી પરંપરાગત ખેતીથી આગળ વધવાનો પ્રયાસ કર્યો છે. કંપની અને ગ્રામ નિર્માણ સમાજ પીડિલાઈટ સંસ્થા દ્વારા મળેલી સહાયનો લાભ લઈ ખેડૂતે માત્ર રૂ.11 હજારન
ગ્રીન હાઉસમાં યુવકે રોપા તૈયાર કર્યો


ભાવનગર, 07 સપ્ટેમ્બર (હિ.સ.)ભાવનગર જિલ્લાના જેસર તાલુકાના સનાળા ગામના યુવા ખેડૂતે આધુનિક ખેતી પદ્ધતિ અપનાવી પરંપરાગત ખેતીથી આગળ વધવાનો પ્રયાસ કર્યો છે. કંપની અને ગ્રામ નિર્માણ સમાજ પીડિલાઈટ સંસ્થા દ્વારા મળેલી સહાયનો લાભ લઈ ખેડૂતે માત્ર રૂ.11 હજારના ખર્ચે 30 બાય 25 ફૂટ વિસ્તારમાં ગ્રીનહાઉસ તૈયાર કર્યું છે. જેમાં ટામેટા, રીંગણા અને મરચાંના 12 હજારથી વધુ રોપા તૈયાર કરવામાં આવ્યા છે.

ગ્રીનહાઉસમાં રોપા તૈયાર કરવાથી શરૂઆતના તબક્કે પાકને અનુકૂળ વાતાવરણ મળી રહે છે. સાથે જ વરસાદ અને બદલાતા હવામાનની સીધી અસરથી રોપાનું રક્ષણ થતું હોવાથી ગુણવત્તાયુક્ત રોપા તૈયાર કરવામાં સરળતા રહે છે. યુવા ખેડૂત જયસુખભાઈએ તૈયાર કરેલા રોપાઓ સૌપ્રથમ પોતાના ખેતરમાં વાવેતર કરવાનું આયોજન કર્યું છે. ત્યારબાદ વધારાના રોપાઓ અન્ય ખેડૂતોને વેચીને વધારાની આવક મેળવશે.

જયસુખભાઈએ જણાવ્યું હતું કે, તેઓ જેસરમાં આવેલી ગ્રામ નિર્માણ સમાજ પીડિલાઈટ સંસ્થા સાથે જોડાયેલા છે. સંસ્થા દ્વારા ખેડૂતલક્ષી વિવિધ યોજનાઓનો લાભ આપવામાં આવે છે. આ સહાય અંતર્ગત તેમણે રૂ.11 હજાર આપ્યા હતા, જ્યારે ગ્રીનહાઉસ માટેનો અન્ય ખર્ચ સંસ્થા દ્વારા કરવામાં આવ્યો હતો.

તેમણે વધુમાં જણાવ્યું કે બહારથી રોપા ખરીદવામાં એક રોપો આશરે રૂ.2નો પડે છે, જ્યારે સારી કંપનીનું બિયારણ લાવી જાતે રોપા તૈયાર કરવામાં પ્રતિ રોપાનો ખર્ચ માત્ર 25 પૈસા જેટલો થાય છે. આમ, ઓછા ખર્ચે પોતાના ખેતર માટે ગુણવત્તાયુક્ત રોપા તૈયાર કરવાની સાથે વધારાના રોપાના વેચાણથી આવક મેળવવાનો માર્ગ પણ યુવા ખેડૂતે અપનાવ્યો છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA


 rajesh pande