- ભારતમાં સૂર્યગ્રહણ જોવા માટે 2027 સુધી રાહ જોવી પડશે
ભોપાલ, નવી દિલ્હી, 01 ઓક્ટોબર (હિ.સ.) દેશભરમાં શારદીય નવરાત્રીનો તહેવાર 03 ઓક્ટોબર, ગુરુવારથી શરૂ થશે. આ પહેલા, બુધવાર, 02 ઓક્ટોબરના રોજ ભારતીય સમય અનુસાર લગભગ 9:13 કલાકે સૂર્યગ્રહણ થવાનું છે. રાત્રે બનતી આ ખગોળીય ઘટનાને કારણે આ ગ્રહણ ભારતમાં દેખાશે નહીં, પરંતુ આર્જેન્ટિના અને ચિલીમાં તે વલયાકાર ગ્રહણ તરીકે દેખાશે. ફિજી, ઉરુગ્વે, બ્રાઝિલ, પેરુ વગેરે દેશોમાં આંશિક સૂર્યગ્રહણ જોઈ શકાશે. આ ગ્રહણ રાત્રે 3.17 કલાકે સમાપ્ત થશે.
રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા વિજ્ઞાન પ્રસારણકર્તા સારિકા ઘારુએ, મંગળવારે ગ્રહણ વિશે વૈજ્ઞાનિક માહિતી આપતાં જણાવ્યું હતું કે, આ ખગોળીય ઘટનામાં ચંદ્ર પૃથ્વી અને સૂર્યની વચ્ચે પહોંચવાને કારણે કેટલાક દેશોમાં સૂર્યની ડિસ્કનો કેટલોક ભાગ દેખાશે. જેના કારણે આ સ્થળોએ વલયાકાર ગ્રહણ જોવા મળશે અને કેટલીક જગ્યાએ આંશિક ગ્રહણ જોવા મળશે. તેમણે કહ્યું કે, એક ગાણિતિક અનુમાન મુજબ, વિશ્વની લગભગ 3.08 ટકા વસ્તી આ ગ્રહણનો અમુક ભાગ જોઈ શકશે, જ્યારે માત્ર 0.002 ટકા લોકો જ વલયાકાર સૂર્યગ્રહણ જોઈ શકશે.
સારિકાએ જણાવ્યું કે, બુધવારે થવાના આ ગ્રહણની સ્થિતિમાં ચંદ્ર પૃથ્વીથી લગભગ 4 લાખ 2 હજાર 300 કિલોમીટરના અંતરે હશે, જ્યારે સુપરમૂનના કિસ્સામાં તે લગભગ 3 લાખ 60 હજાર કિલોમીટર દૂર હશે. પૃથ્વીથી દૂર હોવાને કારણે, ચંદ્ર સૂર્યની ડિસ્કને સંપૂર્ણપણે ઢાંકી શકશે નહીં, જેના કારણે સૂર્યનો મધ્ય ભાગ કાળો દેખાશે, પરંતુ આસપાસનો વિસ્તાર અગ્નિની ચમકતી રિંગ તરીકે દેખાશે. તેમણે કહ્યું કે, જો તમે ભારતમાં સૂર્યગ્રહણની ખગોળીય ઘટના જોવા માંગો છો, તો તમારે 2 ઓગસ્ટ, 2027ની રાહ જોવી પડશે. તે દિવસે અહીં એક કલાક અને 24 મિનિટ સુધી આંશિક સૂર્યગ્રહણ જોઈ શકાશે.
ગ્રહણનો પ્રકાર - ભારતીય સમય (ભારતમાં દેખાશે નહીં)
આંશિક ગ્રહણ પ્રથમ સ્થાનથી શરૂ થશે - રાત્રે 9:12 59 સે
મહત્તમ ગ્રહણ - રાત્રે 12 વાગ્યે ને 15 મિનીટ, 04 સેકંડ
છેલ્લું સ્થાન આંશિક ગ્રહણ સમાપ્ત થશે - રાત્રે 03:17 વાગ્યે
હિન્દુસ્થાન સમાચાર / મુકેશ તોમર / રામાનુજ શર્મા / ડો. માધવી
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ