સુરત, 24 નવેમ્બર (હિ.સ.)-સુરતના મહિધરપુરા ગલેમંડી ખાતે પાંચ જુદાજુદા નામે વૃદ્ધ પિતા સાથે રિયલ અને સીવીડી હીરાનો વેપાર કરતા વેસુના વેપારી પાસેથી નવ વેપારી અને બે દલાલે બે વર્ષના સમયગાળામાં રૂ.6.09 કરોડના હીરા ખરીદી પેમેન્ટ નહીં કરી ઉઠમણું કરતા ઈકો સેલે આ અંગે ગુનો નોંધી બે વેપારીની ધરપકડ કરી તેમના બે દિવસના રિમાન્ડ મેળવ્યા છે.જયારે નવ વેપારી પૈકી નવસારીનો વેપારી પરાગ મહેતા મહિધરપુરા પોલીસ મથકમાં નોંધાયેલી રૂ.15 લાખના હીરાની ઠગાઈમાં જેલમાં છે.
ઈકો સેલના સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ મૂળ રાજસ્થાન સીરોહી માલગાંવના વતની અને સુરતમાં વેસુ આભવા રોડ સુડા ભવનની સામે સમપ્રિતી પેલેસ ઘર નં.એ/301 માં રહેતા 43 વર્ષીય ઘનેશભાઈ મોહનલાલ સંઘવી તેમના વૃદ્ધ પિતા સાથે મહિધરપુરા ગલેમંડી સુથાર ફળિયું સુંદર સદન ત્રીજા અને ચોથા માળે ડિયામ જવેલર્સ, ધનેશ મોહનલાલ સંઘવી, દેવાંશી જેમ્સ, મોહનલાલ ભેરુમલ સંઘવી અને શિતલ છાયા ડાયમંડના નામે રિયલ અને સીવીડી હીરાનો વેપાર કરે છે.મહિધરપુરા હીરાબજાર જદાખાડી શુકન બિલ્ડીંગ ઓફિસ નં.501 માં હાનિયા જેમ્સના નામે સીવીડી હીરાનો વેપાર કરતા પાંચાભાઈ ઉર્ફે હનુભાઈ નારણભાઇ શિંગડે વર્ષ 2022 માં ધનેશભાઈની ઓફિસે આવી વાતચીત કર્યા બાદ વેપાર શરૂ કરો હતો અને શરૂઆતમાં સમસયર પેમેન્ટ કરી વિશ્વાસ કેળવ્યો હતો.
તેવી રીતે જ વર્ષ 2022 થી 2024 દરમિયાન વરાછા અને મહિધરપુરા હીરાબજારમાં હીરાનો વેપાર કરતા વેપારીઓ હિતેશ સુરેશભાઇ ગુડાળા ( ભરવાડ ), દલાલ હીતેશભાઇ કેશાભાઇ પુરોહિત મારફતે હનુભાઇ દેવાભાઇ સાપરામેર ઉપરાંત અન્ય વેપારીઓ નવીનભાઇ ભરતભાઇ સોની, નિલેશભાઇ નવીનચંદ્ર શાહ, પરાગભાઇ હિરાલાલ મહેતા, વિપુલ વિઠ્ઠલભાઇ પટેલ, વીગુલભાઇ રાજેશભાઇ વાઘાણી અને દલાલ અશોકભાઇ પ્રાગજીભાઇ પટેલ મારફતે વેપારી રાજુભાઇએ તેમની ઓફિસે આવ્યા હતા અને હીરા ખરીદી સમસયર પેમેન્ટ કરી વિશ્વાસ કેળવ્યો હતો.જોકે, ત્યાર બાદ તેમણે કુલ રૂ.6,08,58,691 ના હીરા ખરીદી પેમેન્ટ ચુકવ્યું નહોતું અને તમામ વેપારીએ અને બંને દલાલે કામ બંધ કરી દઈ ઉઠમણું કર્યું હતું.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે