સુરત, 24 નવેમ્બર (હિ.સ.)-આજે નર્મદ યુનિવર્સિટી દ્વારા ફરજિયાત હેલ્મેટ પહેરવા માટે ઝુંબેશ ઉપાડી હતી. જેમાં પખવાડિયુ અધ્યાપકો, ટીચરો, વિદ્યાર્થીઓને સમજાવવામાં આવશે ત્યારબાદ હેલ્મેટ ફરજિયાત પહેરીને જ કેમ્પસમાં દાખલ કરવાનો નિયમ લાગુ કરી દેવાશે.
તાજેતરમાં જ રાજયના પોલીસ વિભાગ દ્વારા ટ્રાફિક નિયમની અમલવારી કરવા માટે સ્કુલ, કોલેજ, યુનિવર્સિટી કેમ્પસમાં દ્વી-ચક્રી વાહનો લઇને આવનારા અધિકારી, કર્મચારી, સ્ટાફ કે વિદ્યાર્થીઓ માટે ફરજિયાત હેલ્મેટ પહેરીને જ અંદર એન્ટ્રી આપવા માટે આદેશ કરાયો છે. આ આદેશના પગલે નર્મદ યુનિવર્સિટીના કુલપતિ ડૉ.કિશોરસિહ ચાવડા દ્વારા આજથી ઝુંબેશ ઉપાડી છે.
કુલપતિ, રજિસ્ટ્રાર અને સુરક્ષા અધિકારી ત્રણેય નર્મદ યુનિવર્સિટીના ગેટ પર પહોંચી ગયા હતા. અને કેમ્પસમાં આવનારા વિદ્યાર્થી, સ્ટાફને હેલ્મેટની આવશ્યકતાઓ સમજાવવામાં આવી હતી.અને ફરજિયાત હેલ્મેટ પહેરવા માટે પ્રોત્સાહિત કર્યા હતા. દરમ્યાન એક પખવાડિયુ આ ઝુંબેશ ચાલશે. અને ત્યારબાદ કેમ્પસમાં નો હેલ્મેટ નો એન્ટ્રીનો નિયમ લાગુ કરાશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે