વડોદરા, 24 નવેમ્બર (હિ.સ.)-વડોદરામાં કોર્પોરેશનની ડિમોલિશનની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. શહેરમાં સતત છઠ્ઠા દિવસે કોર્પોરેશનના દબાણ શાખાની કામગીરી યથાવત જોવા મળી રહી છે. શહેરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે દબાણ શાખાની ટીમે કેટલાક દબાણો દૂર કર્યા છે.
સરદાર એસ્ટેટ ચાર રસ્તાથી મહાવીર હોલ ચાર રસ્તા સુધીના દબાણો પર કોર્પોરેશનની ટીમે સપાટો બોલાવ્યો છે. રોડ અને ફૂટપાટ પર આવેલા હંગામી દબાણોને દબાણ શાખાની ટીમે દુર કર્યા છે. ઓટલા, શેડ અને લારીઓ મળીને કુલ ત્રણથી ચાર ટ્રક જેટલો સામાન કબજે પણ કર્યો છે. દબાણની કામગીરીમાં પોલીસ ઉપરાંત કોર્પોરેશનના વિવિધ વિભાગોના અધિકારીઓ પણ જોડાયા હતા. ત્યારે કોર્પોરેશનની કામગીરીથી દબાણ કરતા લોકોમાં ભારે ફફડાટ જોવા મળી રહ્યો છે.
વડોદરામાં સતત ડિમોલિશનની કામગીરીથી કેટલાક લોકો પરેશાન પણ થઈ ચૂક્યા છે. ડિમોલિશનને લઈ સ્થાનિક લોકોએ કેટલીક જગ્યાએ હોબાળો પણ મચાવ્યો છે. ખાટકીવાડમાં આવેલા તમામ દબાણો દૂર કરાયા છે. ત્યારે દબાણ દૂર કરવાની કામગીરીથી સ્થાનિકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે