વડોદરા, 24 નવેમ્બર (હિ.સ.). વડોદરા શહેરના નાગરવાડા વિસ્તારમાં જુગાર રમવા મુદ્દે થયેલી મારામારી બાદ માથાભારે અને રીઢા આરોપી બાબરખાન પઠાણ સહિતના સાગરીતોએ હિન્દુ યુવકો પર ચાકુથી હુમલો કર્યો હતો. ત્યારબાદ તેમને સારવાર માટે એસએસજી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. જેથી પૂર્વ કોર્પોરેટર રમેશ પરમારનો પુત્ર તપન પરમાર ઇજાગ્રસ્તોને જોવા માટે ગયો હતો. ત્યારે પોલીસની નજર ચુકવીને બાબરખાન પઠાણે તપન પરમાર પાસે ધસી ગયો હતો અને પોલીસની હાજરીમાં જ ચાકુના ઘા ઝિંકીને તેને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો હતો. જેથી હત્યાના બનાવમાં પોલીસની ગંભીર બેદરકારી છતી થઇ હતી.
જેથી પોલીસ કમિશનર દ્વારા પહેલા બેદરકારો સામે લાલ આંખ કરીને બે કોન્સ્ટેબલોને સસ્પેન્ડ કરી નાખ્યા હતા. ત્યારબાદ પીઆઇ, સકેન્ડ પીઆઇ સહિતના ડીસ્ટાફના કર્મચારીઓને અન્ય જગ્યા પર બદલી કરી નાખવામાં આવી હતી. ત્યારે હવે કારેલીબાગ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પીએસઆઇ પરમાર સહિતના ડીસ્ટાફના મળીને કુલ 9 કર્મચારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. ત્યારે આગામી 24 કલાકમાં પણ હજુ મોટી કાર્યવાહી કરવામાં આવશે તેવી ચર્ચાએ જોર પકડ્યું છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે