એરપોર્ટ અન્ય જગ્યાએ બનાવવાની માંગ:ખેડૂતો રોષ વ્યક્ત કરી ધારાસભ્યને આવેદનપત્ર આપ્યું
-મહેશ ભુરીયાએ કહ્યું- ' જમીનો છીનવાઈ ન જાય તે માટે અમે લડત લડીશું' દાહોદ, 24 નવેમ્બર (હિ.સ.). દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકામા નવિન એરપોર્ટ બનાવવાની કામગીરીનો ટાઢાગોળા, શારદા, ગુલતોરા અને છાયણ ગામના ખેડૂતો વિરોધ કરી રહ્યા છે, જેને લઈને આજે ઝાલોદ મતવિ
એરપોર્ટ અન્ય જગ્યાએ ખસેડવા આપ્યું આવેદન


-મહેશ ભુરીયાએ કહ્યું- ' જમીનો છીનવાઈ ન જાય તે માટે અમે લડત લડીશું'

દાહોદ, 24 નવેમ્બર (હિ.સ.). દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકામા નવિન એરપોર્ટ બનાવવાની કામગીરીનો ટાઢાગોળા, શારદા, ગુલતોરા અને છાયણ ગામના ખેડૂતો વિરોધ કરી રહ્યા છે, જેને લઈને આજે ઝાલોદ મતવિસ્તારના ધારાસભ્યને ખેડૂતોએ આવેદનપત્ર પાઠવી એરપોર્ટ અન્ય જગ્યાએ ખસેડવાની માંગ કરી હતી. ઝાલોદ તાલુકાના ટાઢાગોળા ગામે નવિન એરપોર્ટ બનાવવા સર્વેની કામગીરીની શરૂઆત કરવાની સાથે ટાઢાગોળા, શારદા, ગુલતોરા અને છાયણ ગામમા ડોમેસ્ટિક એરપોર્ટ બનાવવા માટે જમીનનો સર્વે એરપોર્ટ ઓથોરીટી ઓફ ઈન્ડિયા દ્વારા શરુ કરવામા આવતા પોતાની જમીનો આ એરપોર્ટમા જતી રહેવાનો ડર સ્થાનિક ખેડૂતોને સતાવી રહ્યો છે. જેને લઈને ખેડૂતોએ સર્વેની કામગીરી કરવા આવેલા ઈન્ડિયન એરપોર્ટ ઓથોરીટીના અધિકારીઓને સર્વે કરતા અટકાવવામાં આવતા દાહોદ કલેક્ટર સ્થળ ઉપર પહોંચી ખેડૂતો સાથે બેઠક કરી ખેડૂતોને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. એક તરફ ભારતમાલા પ્રોજેક્ટ અંતર્ગત દિલ્હી મુંબઈ કોરિડોરમાં ખેડૂતોની જમીનો ગઈ છે અને તેના વળતર સહિત અનેક સમસ્યાઓ મામલે ખેડૂતો આંદોલન કરી રહ્યા છે, ત્યારે બીજી તરફ ઝાલોદ તાલુકાનાં આ 4 ગામમાં માંથી અંદાજીત 4190 એકર સંપાદન કરવામા આવનાર છે, જેમા ટાઢાગોળા ગામના ખેડૂતોની ખેતીલાયક જમીનો, રહેણાંક મકાનો, કૂવાઓ, તળાવ સહિતના વિસ્તારો આ એરપોર્ટમા સમાવિષ્ટ થઈ જતા હોઈ ખેડૂતોએ આંદોલન કરવાની તૈયારીઓ કરી રહ્યા છે, ત્યારે આજે આ એરપોર્ટ બનવાના કારણે અસરગ્રસ્ત ગામના ખેડૂતોએ ભેગા થઈને ઝાલોદના ધારાસભ્ય મહેશ ભૂરીયાને રજૂઆત કરવા પહોંચ્યા હતા, ખેડૂતોએ ધારાસભ્યને આવેદનપત્ર આપી આ એરપોર્ટ અન્ય જગ્યાએ ખસેડવા અથવા સરકારી જમીનોનો ઉપયોગ કરી બનાવવામા આવે તેવી માંગ કરી હતી. ઝાલોદ તાલુકામાં નવીન એરપોર્ટ બનાવવાની કામગીરી માટે સર્વે શરૂ થતા ની સાથે ખેડૂતોએ વિરોધ પ્રદર્શન બાબતે ઝાલોદના ધારાસભ્ય મહેશ ભુરીયાએ જણાવ્યું હતુ કે, ઝાલોદ ખાતે એરપોર્ટ નાખવાનો નિર્ણય સરકાર દ્વારા કરવામાં આવ્યો છે, આ વિસ્તારના ધારાસભ્ય તરીકે આદિવાસી સમાજના ખેડૂતોએ મને આવેદનપત્ર આપી તેમની જમીનોનુ રક્ષણ કરવાની માંગ કરી છે, આ વિસ્તારના ગરીબ ખેડૂત ભાઈઓ અને બહેનો ખેતી કરી પોતાનુ જીવન અને પરિવારનુ ભરણપોષણ કરી રહ્યા છે. આ વડીલો પાર્જીત અને ફળદ્રુપ અને ઉપજાઉ જમીનો છે, આ જમીનમા ખેડૂતોના રહેણાંકના મકાનો, સિંચાઈના કુવા, તળાવો, આગણવાડી કેન્દ્ર, પ્રાથમિક શાળાઓ આવેલી છે, આદિવાસી સમાજ ખેતી આધારિત જીવન જીવનારો સમાજ છે, આ ગામોના સરપંચો, તાલુકા સભ્યો અને ખેડૂતોએ આ ધારાસભ્ય તરીકે મને આવેદનપત્ર આપ્યુ છે. ખેડૂતોની જમીન બચાવવા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને જીલ્લા વહીવટી તંત્ર અને કલેક્ટર તેમજ જમીન સંપાદન કરનાર અધિકારીઓને રજૂઆત કરવામા આવશે અને ખેતીની અમૂલ્ય જમીનો અને તેમના હક્ક અધિકારો છીનવાઈ ન જાય અને મારા ખેડૂત ભાઈઓને ન્યાય મળે એના માટે આ વિસ્તાર આ ધારાસભ્ય તરીકે અમે કટિબંધ રહીને આગળની લડાઈ ખેડૂતોને સાથે રાખીને લડીશું. ઝાલોદ તાલુકામાં નવીન એરપોર્ટની કામગીરીને લઈને ખેડૂતો રોષે ભરાયા છે અને આવનાર દિવસોમાં પોતાની જમીનો બચાવવા માટે ઉગ્ર આંદોલન કરવાના મુડમા હોય તેમ લાગી રહ્યુ છે. ત્યારે આજે ઝાલોદના ધારાસભ્ય મહેશ ભુરીયાએ આવેદનપત્ર આપવા આવેલા ખેડૂત પોપટભાઈ ડામોરે જણાવ્યું હતુ કે, ટાઢાગોળા, ગુલતોરા, છાયણ અને અમારા શારદા ગામ વાળા ખેડૂતોની જમીન આ એરપોર્ટમા જાય છે, જે જમીનો બચાવવા માટે અમે ખાસ તકેદારી રાખી વિરોધ ઉઠાવ્યો છે, અમારા ગામના જે કંઈ સર્વે નંબરો આ એરપોર્ટમા જાય છે એમાંથી અમે એક પણ ખેડૂતો એક ફૂટ જમીન આપવા મંજૂર નથી, અને જો અમારી જમીનો છીનવવા ઉપરથી કોઈ દબાણ કરવામા આવશે અને અમારી જમીન છીનવી લેવામાં આવશે તો અમે ગોળીબાર કરીને મારી નાખીશું, એવી અમે તકેદારી આપીએ છીએ અને અમારા બાપ દાદાની જમીનો અમે એરપોર્ટ બનાવવા આપવાના નથી. નવિન એરપોર્ટ બનાવવાથી ટાઢાગોળા, ગુલતોરા, છાયણ, શારદા, કાળીગામ સહિતના ગામોના ખેડૂતોની ખેતીની જમીનો જાય છે, જેનો ખેડુતો વિરોધ કરી રહ્યા છે. ખેડૂતોએ એરપોર્ટ બનાવવા સરકારી પડતર તેમજ જંગલની જમીનનો ઉપયોગ કરવામા આવે તેવી માંગ કરી રહ્યા છે. ત્યારે ઝાલોદના ધારાસભ્ય મહેશ ભુરીયાને ખેડૂતોએ આવેદનપત્ર પાઠવતા ધારાસભ્યએ ખેડૂતોની જમીનો બચાવવા મુખ્યમંત્રીને રજૂઆત કરશે તેવી બાહેધરી ખેડુતોને આપી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Nehal Shah


 rajesh pande