વોશિંગ્ટન, નવી દિલ્હી, 05 નવેમ્બર (હિ.સ.) અમેરિકા માં આગામી ચાર વર્ષ માટે દિશા નક્કી કરવા માટે બહુપ્રતિક્ષિત ક્ષણ આવી ગઈ છે. આગામી રાષ્ટ્રપતિની ચૂંટણી માટે મંગળવારે સવારે અહીં મતદાન શરૂ થશે. ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસ અને પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પમાંથી કોણ વ્હાઇટ હાઉસ પહોંચશે, તે અંગે મોડી રાત્રે નિર્ણય લેવામાં આવે તેવી શક્યતા છે. હવે જોવાનું એ રહે છે કે, અમેરિકન મતદારો તેમના આગામી નેતા તરીકે કોને પસંદ કરશે. કુલ આઠ ઉમેદવારોમાં મુખ્ય મુકાબલો ભારતીય મૂળના ડેમોક્રેટિક પાર્ટીના કમલા હેરિસ અને રિપબ્લિકન પાર્ટીના ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે છે.
ચૂંટણીની પૂર્વસંધ્યાએ, ડોનાલ્ડ ટ્રમ્પે ચેતવણી આપી હતી કે, જો હેરિસ જીતશે તો ત્રીજા વિશ્વયુદ્ધનો ભય છે. પ્રચારની અંતિમ ક્ષણોમાં હેરિસે, અશ્વેત અને આરબ મૂળના મતદારોના દિલ જીતવાનો પ્રયાસ કર્યો હતો. અમેરિકામાં કરાયેલા ઓપિનિયન પોલમાં 60 વર્ષની કમલા અને 78 વર્ષીય ટ્રમ્પ વચ્ચે ગાઢ સ્પર્ધા છે. મતદાનની નિર્ધારિત તારીખ પહેલા 7.7 કરોડ મતદારોએ વૈકલ્પિક પદ્ધતિઓ દ્વારા મતદાન કર્યું છે.
તમિલનાડુના થુલસેન્દ્રપુરમમાં કમલા માટે પ્રાર્થના
'નવી દિલ્હી' પણ આ ચૂંટણી પર નજર રાખી રહ્યું છે. પરંતુ ભારતના દક્ષિણી રાજ્ય તમિલનાડુના થુલસેન્દ્રપુરમ ગામમાં ખાસ ઉત્તેજના છે. કમલા હેરિસના પરિવાર સાથે ઊંડો સંબંધ ધરાવતું આ ગામ ઉજવણીના વાતાવરણમાં ડૂબી ગયું છે. ગામને કમલા હેરિસના પોસ્ટરોથી શણગારવામાં આવ્યું છે. તેમની જીત માટે મંદિરમાં વિશેષ પ્રાર્થના કરવામાં આવી છે. જો કમલા હેરિસ જીતશે તો, તે ભારત અને ભારતીય મૂળના લોકો માટે ગર્વની વાત હશે. લગભગ 235 વર્ષમાં રાષ્ટ્રપતિની ચૂંટણીના ઈતિહાસમાં આ પ્રથમ વખત બનશે, જ્યારે કોઈ મહિલા અમેરિકાની રાષ્ટ્રપતિ બનશે. થુલસેન્દ્રપુરમ કમલા હેરિસના દાદા પીવી ગોપાલનનું મૂળ ગામ છે. હેરિસની માતા શ્યામલા, દિલ્હી યુનિવર્સિટીમાંથી સ્નાતક થયા બાદ ઉચ્ચ શિક્ષણ માટે અમેરિકા ગયા હતા. હેરિસ ઓકલેન્ડ, કેલિફોર્નિયામાં ઉછર્યા હતા.
હિન્દુસ્થાન સમાચાર / મુકુંદ
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ