-રેસ્ટોરન્ટ સંચાલકો રસ્તા સુધી લાંબા થઈ ગેરકાયદે દબાણ ઊભા કરી રહ્યા છે.
-રસ્તાની બાજુમાં લોખંડના પતરાના શેડ બનાવી રેસ્ટોરન્ટો ઉભા કરી દેતા ટ્રાફિક જામનું દુષણ
-ભરૂચના એક્સપ્રેસવેના પ્રવેશથી સમગ્ર પશ્ચિમ વિસ્તારમાં રેસ્ટોરન્ટ સંચાલકોના દબાણોથી ટ્રાફિક જામ
ભરૂચ 8 ડિસેમ્બર (હિ.સ.). ભરૂચના ઢાલથી મહંમદપુરા બાયપાસ ચોકડી અને સમગ્ર આજુબાજુના વિસ્તારમાં રેસ્ટોરન્ટ સંચાલકો બન્યા બેફામ પાર્કિંગમાં બનાવ્યા ડાઇનિંગ ટેબલો ઉપરથી પતરાના શેડ બનાવી રસ્તા સુધી રેસ્ટોરન્ટ બનાવી ટ્રાફીકને અડચણ રૂપ બની રસ્તામાં દબાણ કરતા રોજિંદા ટ્રાફિક જામની સમસ્યાથી હજારો વાહન ચાલકો પીડાઈ રહ્યા છે.
ભરૂચ શહેરમાં ટ્રાફિક જામની સમસ્યા દિન પ્રતિદિન ગંભીર બની રહી છે તેનું કારણ છે એક્સપ્રેસવે. એક્સપ્રેસવે ઉપરથી આવતા વાહનોના ભારણો વચ્ચે પશ્ચિમ વિસ્તારમાં ઘણા રેસ્ટોરન્ટ સંચાલકો અને વેપારીઓ પોતાની દુકાનથી જાહેર માર્ગ સુધી દબાણ કરી બેસતા વાહન વ્યવહાર સતત ખોરવાઈ રહ્યો છે ત્યારે સ્થાનિક પોલીસ અને ભરૂચ નગરપાલિકાની દબાણ શાખાએ પણ આ બાબતે ગંભીરતા લઈ આવા રેસ્ટોરન્ટ સંચાલકો અને રોડ સુધી દબાણ કરી બેઠેલા લોકો ઉપર તાત્કાલિક કાર્યવાહી કરવાની જરૂર દેખાઈ રહી છે .
ભરૂચ શહેરમાં એક્સપ્રેસવેનો વાહન વ્યવહાર શહેરી વિસ્તાર અને શ્રવણ ચોકડી થઈને નેશનલ હાઈવે તરફ જતા હોય છે. જેના કારણે ટ્રાફિકનું ભારણ વધ્યું છે અને તેમાંય ભરૂચ શહેરના પશ્ચિમ વિસ્તારથી એક્સપ્રેસ વે નો જ્યાં ઉતરવાનું આપવામાં આવ્યું છે ત્યાંથી સમગ્ર ભરૂચ શહેરના જાહેર માર્ગો ઉપર વાહનોનું ભારણ વધવા સાથે રેસ્ટોરન્ટ સંચાલકોએ પણ પાર્કિંગની જગ્યા ઉપર અડીંગો જમાવી મોટા પ્રમાણમાં દબાણો ઊભા કરી દેતા લોકો રસ્તા ઉપર જ પોતાના વાહનો પાર્ક કરતા હોવાના કારણે સતત ટ્રાફિક જામની સમસ્યા માથાના દુઃખાવા સમાન બની ગઈ છે. વાહન ચાલકો પોતાના વાહનો જાહેર માર્ગ ઉપર જ ઊભા કરી દેતા હોય છે જેના કારણે સતત વાહનોથી ધમધમતા વિસ્તારમાં ટ્રાફિક જામની સમસ્યા માથાના દુઃખાવા સમાન બની રહી છે. ઘણા રેસ્ટોરન્ટોમાં તો ફાયર એનઓસીની પણ એસી કે તેસી થઈ રહી છે.
દહેગામ ચોકડી નજીકથી શ્રવણ ચોકડી સુધીના સમગ્ર માર્ગ ઉપર રેસ્ટોરન્ટ સંચાલકો બેફામ બન્યા છે એટલું જ નહીં બાયપાસ ચોકડીથી ઢાલ સુધી મોહમ્મદપુરા એપીએમસી નજીક પણ સંખ્યાબંધ રેસ્ટોરન્ટ સંચાલકો પોતાની દુકાનથી રોડ સુધી લોખંડના પતરાના શેડ બનાવી મોટા પ્રમાણમાં દબાણ કરી બેઠા છે. સાથે જ થોડાક આગળ જાહેર માર્ગો ઉપર લોખંડના પતરાના મોટા સેડ ઊભા કરી મોટા રેસ્ટોરન્ટો ચાલુ કરી દેવામાં આવ્યા છે જેના કારણે સતત ટ્રાફિક જામની સમસ્યા વચ્ચે લોખંડના સેડ ઉભા કરનારને મંજૂરી કોની આપવામા આવી છે.આ રેસ્ટોરન્ટને બૌડાએ મંજૂરી આપી છે ,ફૂડ એન્ડ ડ્રગના પ્રમાણપત્રો લીધા છે , ભરૂચ નગરપાલિકાએ મંજૂરી આપી છે તેવા અનેક સવાલો વચ્ચે ગેરકાયદેસર રેસ્ટોરન્ટોના કારણે સતત ટ્રાફિક જામની સમસ્યાથી લોકો પરેશાન બન્યા છે એટલું જ નહીં રેસ્ટોરન્ટમાં થતા વિવિધ વાનગીઓના વધારોથી વાહન ચાલકોની આંખોમાં લાગવા સાથે અકસ્માતનો ભય પણ ઉભો થતો હોવાનો આક્ષેપ થયો છે.ભરૂચ નગરપાલિકા અને પોલીસ વિભાગ સંકલનમાં રહી રેસ્ટોરન્ટ સંચાલકોએ કરેલ દબાણ દૂર કરવા માંગ ઉઠી છે.
ઘણા રેસ્ટોરન્ટોમાં ગેસ લાઇનના અભાવે સિલિન્ડરનો ઉપયોગ થતો હોવાના કારણે લોકો માટે જોખમી છે
ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં ઘણા લોખંડના પતરાના સેડ નીચે રેસ્ટોરન્ટો ઉભા થઈ ગયા છે અને તેમાં ગેસ લાઇન પણ નથી સામાન્ય રીતે રહેણાંક વિસ્તારમાં રેસ્ટોરન્ટો ચાલુ કરવા હોય તો તેની મંજૂરી લેવી જરૂરી છે પરંતુ તંત્રની હંમેશા એક નીતિ રહી છે ઘોડા છૂટી ગયા બાદ તબેલાને તાળા મારવા જ્યાં સુધી કોઈ અઘટીત ઘટના નહીં બને ત્યાં સુધી જાગૃત નહીં થાય પરંતુ લોખંડના સેડ નીચે ચાલતા રેસ્ટોરન્ટોમાં ગેસના સિલિન્ડરો ગમે ત્યારે મોટી દુર્ઘટના સર્જી શકે તે સમસ્યા લોકોને સતાવી રહ્યો છે.
ભરૂચ નગરપાલિકા જાહેર માર્ગોનું દબાણ દૂર કરવા મુહૂર્ત કાઢે તે જરૂરી.
ભરૂચ નગરપાલિકા હંમેશા દબાણો દૂર કરવાનું નાટક કરતી હોય છે અને દબાણકારો પણ બે ત્રણ દિવસ બાદ પુનઃ પોતાની જગ્યા ઉપર સ્થાપિત થઈ જતા હોય છે ભરૂચ નગરપાલિકા પશ્ચિમ વિસ્તારમાં દબાણ દૂર કરો ઝુંબેશ ઉપાડે તે જરૂરી બની ગયું છે આ વિસ્તારમાં તો કબ્રસ્તાનની જગ્યામાં પણ દુકાનો બનાવવામાં આવી હોવાનું સામે આવી રહ્યું છે જેના કારણે માર્ગો ઉપર વાહનોને પાર્ક કરવામાં આવતા ટ્રાફિકજામ સર્જાઈ રહ્યા છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / અતુલકુમાર પટેલ