કોર્પોરેટર અમિતના ઘરે શોર્ટ સર્કિટને કારણે મંદિરમાં આગ ફાટી નીકળી
સુરત, 28 માર્ચ (હિ.સ.) શહેરમાં છેલ્લા પંદરેક દિવસથી અલગ – અલગ નેતાઓના ઘરમાં આગ લાગવાની ઘટનાઓ સામે આ
કોર્પોરેટર અમિતના ઘરે શોર્ટ સર્કિટને કારણે મંદિરમાં આગ ફાટી નીકળી


સુરત, 28 માર્ચ (હિ.સ.) શહેરમાં છેલ્લા પંદરેક દિવસથી અલગ – અલગ નેતાઓના ઘરમાં આગ લાગવાની ઘટનાઓ સામે આવી રહી છે. આજે વહેલી સવારે ડિંડોલી વિસ્તારમાં રહેતા પૂર્વ શાસક પક્ષના નેતા અમિતસીંગ રાજપૂતના ઘરે પૂજા રૂમમાં આગ ફાટી નીકળી હતી. આગની ઘટનાને પગલે પરિવારના સભ્યોમાં નાસભાગ મચી ગઈ હતી. બીજી તરફ ઘટના અંગે જાણ કરવામાં આવતા ફાયર સ્ટેશનોથી જવાનોનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને આગ પર કાબુ મેળવવાની કવાયત હાથ ધરવામાં આવી હતી.

ફાયર વિભાગના સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ડિંડોલી ખાતે આવેલ મધુરમ સર્કલ પાસે સેફ્રોન બંગ્લોઝમાં રહેતા પૂર્વ શાસક પક્ષના નેતા અને ભાજપના કોર્પોરેટર અમિતસિંગ રાજપૂતના ઘરમાં આગ લાગવાની ઘટનાનો કોલ આજે વહેલી સવારે 5.40 મિનિટે ફાયર કંટ્રોલમાં મળ્યો હતો.

આગની ઘટનાને પગલે માનદરવાજા, ડુંભાલ અને ઉધના ફાયર સ્ટેશનથી ફાયર જવાનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને આગ ઉપર કાબુ મેળવવાની કામગીરી હાથ ધરી હતી. વધુમાં ફાયર ઓફિસર જીગ્નેશ ટંડેલએ જણાવ્યું હતું કે, ઘરના પહેલા માળે પૂજા માટે અલાયદો રૂમ બનાવવામાં આવ્યો છે. જ્યાં મંદિરની બાજુમાં જ ઈલેક્ટ્રિક બોર્ડ પણ હતું. સંભવતઃ શોર્ટ સર્કિટ થવાને પગલે મંદિરમાં આગ લાગી ગઈ હતી.

લાકડાંનું મંદિર હોવાને કારણે આગ ભડકી ઉઠી હતી. જેને કારણે ઘુમાડો વધારે પ્રસરી ગયો હતો. જો કે પરિવારના તમામ સભ્યો સમયસૂચકતા વાપરીને સુરક્ષિત ઘરની બહાર નીકળી ગયા હતા. ધુમાડાને કારણે તેમનો પાલતુ શ્વાન બેભાન થઇ ગયો હતો. જેથી તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. અર્ધો કલાકના સમય દરમ્યાન આગ કાબુ મેળવી લેવામાં આવ્યો હતો અને સંપૂર્ણ પરિસ્થિતિને નિયત્રંણમાં કરી લેવામાં આવી હતી.

હિન્દુસ્થાન સમાચાર/ યજુવેન્દ્ર દુબે

/હર્ષ શાહ


 rajesh pande