બેરૂત, નવી દિલ્હી, 30 સપ્ટેમ્બર (હિ.સ.). ઇઝરાયલે સોમવારની વહેલી સવારે, લેબનાનની રાજધાની બેરૂત પર સતત ડ્રોન હુમલા કરીને હિઝબુલ્લા સામે જોરદાર ઝુંબેશ ચલાવી હતી. ઇઝરાયલની સેનાએ, ડ્રોન હુમલો કરીને શહેરની ઇમારતને નિશાન બનાવી હતી. આ હુમલામાં ઓછામાં ઓછા ચાર લોકો માર્યા ગયા હતા, જેમાં ઇઝરાયલ સામેના ઉગ્ર સંઘર્ષમાં સક્રિય એવા પોપ્યુલર ફ્રન્ટ ફોર ધ લિબરેશન ઓફ પેલેસ્ટાઇન (પીએફએલપી)ના ત્રણ વરિષ્ઠ નેતાઓનો સમાવેશ થાય છે.
ઈઝરાયલની સેના રવિવારથી બેરૂતના રહેણાંક વિસ્તારોને નિશાન બનાવી રહી છે. ધ ટાઈમ્સ ઓફ ઈઝરાયલના અહેવાલ મુજબ, પીએફએલપી એ એક નિવેદન જારી કરીને કહ્યું છે કે, બેરૂતના કોલા જિલ્લામાં એક ઈમારત પર અડધી રાત્રે ઈઝરાયલના હુમલામાં તેના ત્રણ ટોચના નેતાઓ માર્યા ગયા છે. જો કે અગાઉ એવી આશંકા વ્યક્ત કરવામાં આવી હતી કે, આ હુમલો અન્ય આતંકવાદી સંગઠન અલ જમા અલ ઈસ્લામિયા (ઈસ્લામિક ગ્રુપ) દ્વારા કરવામાં આવ્યો છે, પરંતુ સંગઠને આ વાતનો ઈન્કાર કર્યો છે. બીજી તરફ, આ હુમલાઓને લઈને ઈઝરાયલી સેના તરફથી કોઈ ટિપ્પણી કરવામાં આવી નથી.
ઈઝરાયલ ઈરાન સમર્થિત સશસ્ત્ર સંગઠનો વિરુદ્ધ સતત પોતાના અભિયાનને તેજ કરી રહ્યું છે. રવિવારે ઇઝરાયલે, લેબનાનમાં હિઝબુલ્લાની જગ્યાઓ પર હુમલો કર્યો અને હિઝબુલ્લાના વરિષ્ઠ કમાન્ડર સહિત 45 લડવૈયાઓને મારી નાખ્યા. નબિલ કૌક નામનો આ નેતા હિઝબુલ્લાની સેન્ટ્રલ કમિટીના ઉપ-પ્રમુખ હતા. આ સાથે ડઝનેક ઇઝરાયલી વિમાનોએ, યમનમાં હુતી વિદ્રોહીઓના સ્થાનો પર બોમ્બમારો કર્યો હતો.
હિન્દુસ્થાન સમાચાર / સંજીવ પાશ / ડો. હિતેશ
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ