મોડાસા,8 સપ્ટેમ્બર (હિ.સ.) આ વખતે ચોમાસાની શરૂઆતમાં અરવલ્લી જિલ્લામાં ઓછો વરસાદ હતો પરંતુ છેલ્લા એક અઠવાડિયાથી વરસાદે નદીનાળા ભરી દીધા છે. સાથે સાથે તારાજી પણ એટલી જ જોવા મળી છે. સાઠંબાથી પટેલના મુવાડા જવાના રસ્તે આવતો ડીપ ધોવાઈ ગયો છે. ડીપમાંથી પોપડા ઉખડી ગયા છે. લગભગ પાંચ ફૂટ કરતા વધારે રોડ તૂટી ગયો છે. રોડમાં ઊંડા ખાડા પડી ગયા છે.
સાઠંબાથી પટેલના મુવાડા તરફ લગભગ પંદર જેટલા ગામો આવે છે. આ લોકોનો કાયમી વ્યવહાર સાઠંબા ગામ સાથે છે. શાળા કોલેજના વિદ્યાથીઓને આજ રસ્તે જવું પડે છે. બેન્ક કે ડેરીના નાણા માટે કે બજારમાં કાઈ ખરીદી હોય કે બીમારી સમયે આજ રસ્તે આવ-જા કરવી પડે ત્યારે વરસાદી પાણીથી ધોવાઈ ગયેલો આ ડીપ જલ્દી રીપેર થાય એવું સ્થાનિક ગ્રામજનો ઈચ્છી રહ્યા છે.
હિન્દુસ્થાન સમાચાર / મહેન્દ્રપ્રસાદ એચ.પટેલ