પાટણ, 13 ઓક્ટોબર (હિ.સ.): પાટણ જિલ્લામાં યુરિયા ખાતરની ગંભીર અછતથી ખેડૂતો ભારે મુશ્કેલીમાં છે. મોટો ખર્ચ કરીને વાવેતર કરનારા ખેડૂતોને પાક માટે જરૂરી ખાતર મળતું નથી, જેને કારણે રોષ અને અસંતોષ વધી રહ્યો છે. સમયસર ખાતર ન મળવાથી પાકને નુકસાન થવાની ભીતિ છે.
ડેપોએ આગળ લાંબી કતારો, મર્યાદિત વિતરણ
ગુજકોમાસોલ ડેપો અને પ્રધાનમંત્રી કિસાન સમૃદ્ધિ કેન્દ્ર ખાતર લેવા માટે ખેડૂતો વહેલી સવારથી લાંબી કતારમાં ઉભા રહે છે. ઓછા જથ્થાને કારણે દરેક ખેડૂતને માત્ર બેથી ત્રણ યુરિયા ખાતરની થેલી આપવામાં આવે છે. કેટલાક ખેડૂતોને ડીએપી ખાતર લેવું ફરજિયાત બને છે, જયારે તેની જરૂરિયાત નથી, જેના કારણે ખર્ચ વધે છે.
અધિકારીઓનો જવાબ અને ખેડૂતોની માંગ
ગુજકોમાસોલ ડેપોના ઇન્ચાર્જ મેનેજર ભાવિનભાઈએ જણાવ્યું કે શનિવારે માત્ર 400 બોરીયોની ગાડી આવી હતી અને હાલ નિયમ મુજબ ત્રણ બોરી સુધી જ વિતરણ થાય છે. ખેડૂતો માગ કરી રહ્યા છે કે તરત જ પૂરતા પ્રમાણમાં યુરિયા ખાતર ઉપલબ્ધ કરાવવામાં આવે જેથી પાકનો હાની ટાળી શકાય.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ