પાટણ, 13 ઓક્ટોબર (હિ.સ.): પાટણ લોકલ ક્રાઈમ બ્રાંચ (LCB) દ્વારા હારીજ શહેરના બસ સ્ટેશન નજીક થયેલી ઘરફોડ ચોરીના કેસને ગણતરીના કલાકોમાં ઉકેલી કાઢવામાં આવ્યો છે. ઘટનામાં શટર તોડી રૂ. 52,000ની રોકડ ચોરી કરનાર બે ઇસમોને પોલીસે વેગનાર ગાડી સાથે ઝડપી પાડી, કુલ રૂ. 1,52,000નો મુદ્દામાલ કબજે કર્યો છે. આરોપીઓને વધુ તપાસ માટે હારીજ પોલીસ સ્ટેશને સોંપવામાં આવ્યા છે.
હારીજ શહેરની દુકાનોમાં અજાણ્યા ચોરો દ્વારા ચોરી થયા બાદ પાટણ એસપીના માર્ગદર્શન હેઠળ PI આર.જી. ઉનાગરના નેતૃત્વમાં LCB ટીમો બનાવી તપાસ હાથ ધરવામાં આવી. ટેકનિકલ સર્વેલન્સ, CCTV ફૂટેજ અને હ્યુમન ઇનટેલિજન્સના આધારે તપાસ શરૂ કરવામાં આવી હતી. બાતમીના આધારે ચિરાગભાઈ બાબુભાઈ મિસ્ત્રી (ઉ.વ. 29) અને દેવ રાજુભાઈ મિસ્ત્રી (ઉ.વ. 21) ને ચાણસ્મા રોડ ઉપર નાયરા પેટ્રોલપંપ નજીકથી ઝડપવામાં આવ્યા.
પોલીસ દ્વારા પુછપરછ દરમ્યાન બંને ઇસમોએ ગુનાની કબૂલાત આપતા તેમની પાસેથી ચોરીની રૂ. 52,000 રોકડ રકમ અને ચોરીમાં ઉપયોગમાં લેવામાં આવેલી વેગનાર કાર (કિંમત અંદાજે 1,00,000) મળી આવી હતી. કુલ મળીને રૂ. 1,52,000નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. આ ઝડપી કાર્યવાહીથી પોલીસની કાર્યવાહી અને ત્વરિત તપાસની કામગીરીની સરાહના થઈ રહી છે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ