બિશ્કેક (કિર્ગિસ્તાન), નવી દિલ્હી, 18 ઓક્ટોબર (હિ.સ.): ભારતીય યુ-17 મહિલા ફૂટબોલ ટીમે 20 વર્ષ પછી એએફસીયુ-17 મહિલા એશિયન કપ 2026 માટે ક્વોલિફાય કરીને ઇતિહાસ રચ્યો છે. શુક્રવારે ડોલોન ઓમુર્ઝાકોવ સ્ટેડિયમ ખાતે રમાયેલી મેચમાં ભારતે ઉઝબેકિસ્તાનને 2-1થી હરાવીને આ સિદ્ધિ હાંસલ કરી.
પાછળ પડ્યા બાદ ભારતે શાનદાર વાપસી કરી. મુખ્ય કોચ જોઆકીમ એલેક્ઝાન્ડરસનના રણનીતિક પરિવર્તનથી મેચનો માર્ગ બદલાઈ ગયો. તેમણે 40મી મિનિટે બોનિફિલિયા શુલ્લાઈને બદલે થંદમની બાસ્કેને ટીમમાં સામેલ કર્યા. બાસ્કેએ 55મી મિનિટે ભારત માટે બરાબરી કરી અને પછી 66મી મિનિટે અનુષ્કા કુમારી માટે બીજો ગોલ કરવામાં મુખ્ય ભૂમિકા ભજવી.
અગાઉ, ઉઝબેકિસ્તાનની શાખઝોદા અલીખોનોવાએ, 38મી મિનિટે ગોલ કરીને ટીમને લીડ અપાવી હતી. જોકે, ભારતીય ટીમે બીજા હાફમાં ઉત્તમ નિયંત્રણ દર્શાવ્યું, મેચ જીતી અને ક્વોલિફિકેશન મેળવ્યું.
આ પહેલી વાર છે, જ્યારે ભારતીય અંડર-17 મહિલા ટીમે મેરિટના આધારે એએફસી એશિયન કપ માટે ક્વોલિફાય કર્યું છે. ભારતે છેલ્લે 2005 માં ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો, જ્યારે 11 ટીમોને સીધી એન્ટ્રી મળી હતી. જોકે, ક્વોલિફિકેશન સિસ્ટમ લાગુ થયા પછી ભારત ક્યારેય ક્વોલિફાય થયું નથી.
હવે, ભારતની સિનિયર મહિલા ટીમ, અંડર-20 મહિલા ટીમ અને અંડર-17 મહિલા ટીમ આ બધી ખંડીય સ્પર્ધામાં ભાગ લેશે.
હિન્દુસ્થાન સમાચાર / સુનિલ દુબે
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ