
ઢાકા (બાંગ્લાદેશ), નવી દિલ્હી, 17 નવેમ્બર (હિ.સ.): બાંગ્લાદેશની રાજધાની ઢાકામાં અભૂતપૂર્વ સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. બાંગ્લાદેશ ક્રિમિનલ ટ્રિબ્યુનલ-1 (આઈસીટી-1) આજે બપોરે પદભ્રષ્ટ વડા પ્રધાન શેખ હસીના અને અન્ય બે લોકો સામે પોતાનો ચુકાદો આપવાનું છે. આને ધ્યાનમાં રાખીને, ઢાકા મેટ્રોપોલિટન પોલીસ (ડીએમપી) કમિશનર શેખ મોહમ્મદ સજ્જાત અલીએ, રવિવારે સાંજે કડક આદેશો જારી કરીને ઢાકામાં તોફાનીઓને જોતાં જ ગોળીબાર કરવાનો આદેશ આપ્યો હતો.
ઢાકા ટ્રિબ્યુનમાં પ્રકાશિત અહેવાલ મુજબ, આગચંપી, બોમ્બ વિસ્ફોટ અથવા પોલીસ કે નાગરિકોને નુકસાન પહોંચાડવાના પ્રયાસમાં સામેલ કોઈપણ વ્યક્તિને જોતાં જ ગોળીબાર કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. કમિશનરે જણાવ્યું હતું કે, શાંતિમાં ખલેલ પહોંચાડનાર કોઈપણને બક્ષવામાં આવશે નહીં. તેમણે ઉમેર્યું હતું કે, ગઈકાલ સાંજથી રાજધાનીમાં પોલીસ, અર્ધલશ્કરી દળો અને સૈન્ય કર્મચારીઓને તૈનાત કરવામાં આવ્યા છે.
અહેવાલો અનુસાર, પોલીસ, સેના, બોર્ડર ગાર્ડ બાંગ્લાદેશ (બીજીબી), રેપિડ એક્શન બટાલિયન (આરએબી), આર્મ્ડ પોલીસ બટાલિયન (એપીબીએન) અને અનેક ગુપ્તચર એકમોની ભારે તૈનાતીએ ટ્રિબ્યુનલ અને હાઈકોર્ટની આસપાસ બહુ-સ્તરીય ઘેરાબંધી બનાવી છે. મુખ્ય વિસ્તારોમાં છત પર દેખરેખ રાખવામાં આવી રહી છે. ચુકાદાનું રાષ્ટ્રીય અને ખાનગી ટેલિવિઝન ચેનલો પર જીવંત પ્રસારણ કરવામાં આવશે.
એવું નોંધાયું છે કે, પ્રતિબંધિત અવામી લીગ દ્વારા 16-17 નવેમ્બરના રોજ બોલાવવામાં આવેલા બે દિવસીય બંધને કારણે રાજધાનીમાં વિસ્ફોટ અને આગચંપીની ઘટનાઓમાં વધારો થયો છે. છેલ્લા બે દિવસમાં ઢાકાના મીરપુર, હાતિરઝીલ, અગરગાંવ, ન્યૂ એસ્કાટન અને એરપોર્ટ રેલ્વે સ્ટેશન નજીક આગચંપીની નવ ઘટનાઓ બની છે. રવિવારે થયેલા વિસ્ફોટમાં 50 વર્ષીય અબ્દુલ બસીર ઘાયલ થયા હતા. પોલીસનું કહેવું છે કે, 1 થી 11 નવેમ્બર દરમિયાન 15 સ્થળોએ 17 વિસ્ફોટ થયા હતા.
હિન્દુસ્થાન સમાચાર / મુકુંદ
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ