
પાટણ, 19 નવેમ્બર (હિ.સ.)પાટણ નગરપાલિકાએ એપ્રેન્ટિસ ભરતી પ્રક્રિયામાંથી પસંદ થયેલા 25 ઉમેદવારોને નિમણૂક પત્રો આપ્યા છે. પાલિકા પ્રમુખ હિરલબેન પરમારે યોજાયેલ કાર્યક્રમમાં તમામ ઉમેદવારોને ફરજ પર હાજર થવાના ઓર્ડરો અપાવી તેમની નિમણૂક પૂર્ણ કરી હતી.
નગરપાલિકાએ અગાઉ 40 જગ્યાઓ માટે લગભગ 150 ઉમેદવારોના ઇન્ટરવ્યૂ લઈ મેરિટ લિસ્ટ તૈયાર કર્યું હતું. આ યાદીમાંથી સૌથી ઊંચું સ્થાન મેળવનારા 25 ઉમેદવારોની પસંદગી કરવામાં આવી, જ્યારે બાકીનાં ઉમેદવારોને વેઇટિંગ લિસ્ટમાં રાખવામાં આવ્યા છે.
પસંદ થયેલા 25 એપ્રેન્ટિસ કર્મચારીઓમાં બે મોટર મિકેનિકલ વ્હીકલ, બે સર્વેયર ડ્રાફ્ટમેન સિવિલ, એક મિકેનિક ડીઝલ, ત્રણ વેલ્ડર, ચાર ફીટર, પાંચ એસ.આઈ. અને નવ કોમ્પ્યુટર ઓપરેટરનો સમાવેશ થાય છે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ