
પાટણ, 19 નવેમ્બર (હિ.સ.)ટણમાં ફૂડ એન્ડ ડ્રગ્સ કંટ્રોલ એડમિનિસ્ટ્રેશન (FDCA) દ્વારા ખાદ્ય સુરક્ષા અને ગ્રાહકોના આરોગ્યને ધ્યાનમાં રાખીને મહત્વપૂર્ણ જાગૃતિ સેશન યોજાયું. પાટણ જિલ્લા ચેમ્બર ઓફ કોમર્સના સહયોગથી લાયન્સ હોલ ખાતે ખાદ્ય તેલ બજાર એસોસિએશન, ઓઈલ મીલર્સ, પેકર્સ અને જથ્થાબંધ વેપારીઓને FSSAI ના નિયમોની જાણકારી આપવામાં આવી, જેમાં ખાદ્ય તેલના જૂના અથવા ફરીથી ઉપયોગમાં લેવાયેલા ટીનનો ઉપયોગ પ્રતિબંધિત હોવાનું સ્પષ્ટ કરાયું.
સેશનમાં સમજાવવામાં આવ્યું કે જૂના ટીનમાં રહેલા અવશેષો, અશુદ્ધિઓ અથવા કાટ તેલમાં ભળી ગ્રાહકોના સ્વાસ્થ્ય માટે ગંભીર જોખમ ઊભું કરે છે, તેમજ આ નિયમોનું ઉલ્લંઘન કાયદેસર ગુનો ગણાય છે. FBOs દ્વારા રજૂ કરાયેલા પ્રશ્નો પર તંત્રએ સકારાત્મક ચર્ચા કરી અને જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું.
સેશનની સૌથી સકારાત્મક ફળસ્રુતિ એ રહી કે પાટણ ઓઇલ એસોસિએશનના વેપારીઓએ ભવિષ્યમાં જૂના ટીનનો ઉપયોગ ન કરવાની સ્વૈચ્છિક પ્રતિજ્ઞા લીધી. FDCA એ સુરેશભાઈ પટેલ તથા તમામ વ્યવસાયીઓનો આ પહેલને સફળ બનાવવા બદલ આભાર વ્યક્ત કર્યો અને અન્ય FBOs ને પણ ગ્રાહક સુરક્ષાને પ્રાથમિકતા આપવા અપીલ કરી.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ