રાજકોટના નવાગામમાં આઈ.ઓ.સી.એલ.ના પ્લાન્ટમાં એલ.પી.જી. લીક થયા બાદ આગ એક મોકડ્રીલ
રાજકોટ, 19 નવેમ્બર (હિ.સ.) : રાજકોટમાં નવાગામ ખાતે આવેલા ઈન્ડિયન ઓઇલ કોર્પોરેશનના બોટલિંગ પ્લાન્ટમાં સવારે 11.34 કલાકે એલ.પી.જી. ટેન્કર ખાલી કરતી વખતે ગેસ લીક થયો અને પછી આગ ભભૂકી ઊઠી. જેના કારણે સાયરનો ગુંજી ઊઠી અને આગને નિયંત્રણમાં લેવા દોડધામ મચ
રાજકોટના નવાગામમાં આઈ.ઓ.સી.એલ.ના પ્લાન્ટમાં એલ.પી.જી. લીક થયા બાદ આગ એક મોકડ્રીલ


રાજકોટ, 19 નવેમ્બર (હિ.સ.) : રાજકોટમાં નવાગામ ખાતે આવેલા ઈન્ડિયન ઓઇલ કોર્પોરેશનના બોટલિંગ પ્લાન્ટમાં સવારે 11.34 કલાકે એલ.પી.જી. ટેન્કર ખાલી કરતી વખતે ગેસ લીક થયો અને પછી આગ ભભૂકી ઊઠી. જેના કારણે સાયરનો ગુંજી ઊઠી અને આગને નિયંત્રણમાં લેવા દોડધામ મચી ગઈ. આગ વિકરાળ બનતા લેવલ-૩ની ઇમરજન્સી જાહેર કરાઈ હતી.

સૌથી પહેલા કંપનીની સ્થાનિક ફાયર શમનની ટીમે વિવિધ ફાયર એક્સ્ટીંગ્યુશરનો ઉપયોગ કરીને આગ બુઝાવવા પ્રયાસ કર્યા. જો કે આગ કાબૂમાં ના આવતા અંતે આસપાસના ઉદ્યોગો તેમજ 112 હેલ્પલાઇન નંબર પર કોલ કરીને પોલીસ, ફાયર બ્રિગેડ તથા એમ્બ્યુલન્સની ટીમને જાણ કરવામાં આવી. દરમિયાન કંપનીમાં કામ કરતા આશરે 120થી વધુ કર્મચારીઓને પ્લાન્ટમાંથી સલામત રીતે બહાર લઈ જવાયા હતા.

બીજીતરફ પોલીસ, ફાયર બ્રિગેડની ટીમો અને 108 એમ્બ્યુલન્સ ગણતરીની મિનિટોમાં જ પહોંચી ગઈ. ફાયર બ્રિગેડની ટીમે આવીને આગ બુઝાવવાની કવાયત શરૂ કરી. દરમિયાન પોલીસ, આર.ટી.ઓ.ની ટીમે વાહન વ્યવહારની વ્યવસ્થા સંભાળી તેમજ નજીકમાં એકઠી થયેલી ભીડને નિયંત્રણમાં રાખી હતી.

આ સાથે એન.ડી.આર.એફ.ની ટીમ પણ પહોચી ગઈ અને પી.પી.ઈ. કીટ પહેરીને દુર્ઘટના ક્ષેત્રમાં જઈને ગેસથી અસર પામેલા ચારેક જેટલા લોકોનું બચાવ કાર્ય શરૂ કર્યું. અડધા કલાકની કવાયત બાદ અંતે આગ કાબૂમાં લેવાઈ. દરમિયાન એસ.ડી.આર.એફ.ના જવાનો પણ ખડે પગે રહ્યા હતા.

આખરે આ સમગ્ર કવાયત મોકડ્રીલ હોવાનું સામે આવ્યું હતું. જિલ્લા વહીવટી તંત્રની ડિઝાસ્ટર મેનેજમેન્ટ શાખા, તેમજ જિલ્લા ઔદ્યોગિક સલામતી અને આરોગ્ય કચેરીના સંયુક્ત નિયામકની ટીમ દ્વારા આઈ.ઓ.સી.એલ.ના નવાગામ ખાતે આવેલા પ્લાન્ટમાં અગ્નિશમન ક્ષમતા અને સજ્જતા ચકાસવા આ મોકડ્રીલ કવાયત યોજવામાં આવી હતી.

હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ


 rajesh pande