
પાટણ, 19 નવેમ્બર (હિ.સ.)પાટણ શહેરની એક સગીરાના અપહરણ અને દુષ્કર્મના કેસમાં સ્પેશિયલ પોક્સો (સેશન્સ) કોર્ટે ચુકાદો આપતાં મુખ્ય આરોપી મેલાજી ઉર્ફે રાહુલ ઉર્ફે અકકો ઉર્ફે ચુંગી બળવંતજી ઠાકોર (24) તથા તેની પત્ની સરોજબેન (19), રહે. પિતાંબર તળાવ, પાટણ—બન્નેને દોષિત ઠેરવ્યા છે. જજ બિપિન કે. બારોટે બંનેને 7 વર્ષની સખત કેદ અને રૂ. 25,000-25,000 દંડની સજા ફટકારી છે.
કોર્ટે ભોગ બનનાર સગીરાને 30,000 રૂપિયાનું વળતર આપવા પાટણ જિલ્લા કાનૂની સેવા સત્તામંડળને ભલામણ કરી છે. આ કેસમાં સરકારી વકીલ જિતેન્દ્ર જે. બારોટે રજૂઆત કરી હતી.
અપહરણના ગુનામાં, આરોપી દંપતીને આઈપીસી કલમ 363/366 હેઠળ 3 વર્ષની સખ્ત કેદ અને 5,000 રૂપિયાનું દંડ ફટકારવામાં આવ્યું છે. દંડ ન ભરવામાં આવે તો વધુ એક મહિના સુધીની કેદ ભોગવવાની રહેશે. તે ઉપરાંત પોક્સો એક્ટની કલમ 3(એ), 4 તથા 17 હેઠળ બંનેને 7 વર્ષની સજા અને 20,000 રૂપિયાનું દંડ ફટકારવામાં આવ્યો છે, દંડ ન ભરવામાં આવે તો 3 મહિના વધારાની કેદનો હુકમ પણ કરવામાં આવ્યો છે.
31 પાનાના ચુકાદામાં જજ બિપિન કે. બારોટે નોંધ્યું કે પુરાવાઓ પરથી નિઃસંદેહ પ્રમાણિત થાય છે કે ભોગ બનનાર સગીરા હતી અને સંમતિ આપવા અસમર્થ હતી. આરોપીએ જાણતા હોવા છતાં તેનો અપહરણ કરી અલગ-અલગ સ્થળે લઈ જઈ દુષ્કર્મ આચર્યું હતું, જેમાં તેની પત્ની સરોજબેને પણ મદદ કરી હતી. કોર્ટે જણાવ્યું કે આરોપીઓ દયાને પાત્ર નથી, પુરાવાઓ પરથી ભોગ બનનાર પણ કોઈ અંશે જવાબદાર બને હોવાનું પણ કોર્ટે નોંધ્યું.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ