
પાટણ, 19 નવેમ્બર (હિ.સ.) : પાટણ તાલુકાના ગામેથી 15/10/25ના રોજ કિશોરીનું અપહરણ કરી દુષ્કર્મ આચરવાના આરોપસર મુખ્ય આરોપી ઋત્વિક ઠાકોરને પાટણ પોલીસે 13/11/25ના રોજ ઝડપી પાડી પોક્સો કોર્ટમાં રજુ કર્યો હતો. રિમાન્ડ પૂર્ણ થતા 17/11/25ના રોજ તેને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દેવાયો છે.
કિશોરીની પૂછપરછમાં ખુલ્યું કે તે અને ઋત્વિક ભાગીને મુંદ્રા નજીક લાખાપર ગામે એક ખેતરના મકાનમાં રોકાયા હતા, જ્યાં આરોપીએ બે–ત્રણ વખત દુષ્કર્મ આચર્યું હોવાનું તેણીએ જણાવ્યું. આ આધારે પોલીસએ પોક્સો તથા દુષ્કર્મની કલમોનો ઉમેરો કર્યો હતો.
કિશોરીના પિતાએ અગાઉ ઋત્વિક વિરુદ્ધ અપહરણની ફરિયાદ નોંધાવી હતી, જેમાં તેઓએ જણાવ્યું કે બંને વચ્ચે પરિચયથી પ્રેમ સંબંધ બંધાયો હતો અને એકવાર પકડાયા બાદ સમાધાન પણ થયું હતું, તેમ છતાં ઋત્વિક તેમની દીકરીને લઈ ગયો હતો.
પોલીસે રિમાન્ડ માટે કોર્ટને રજૂઆત કરતાં જણાવ્યું હતું કે લાખાપર ખાતેના ખેતરનું એફએસએલ સર્વેક્ષણ બાકી છે, તેમજ ઋત્વિક અને કિશોરી હિંમતનગર ખાતે આરોપીના મિત્ર પાસે સાત દિવસ રોકાયા હતા, તેથી ત્યાં તપાસ જરૂરી છે. બંનેએ ઇન્સ્ટાગ્રામ ચેટ કરી તથા ઘટના દિવસે ફોન તોડી નાખ્યા હોવાનું કહેવાતા ઇન્સ્ટાગ્રામ આઈડી રિકવર કરી પુરાવા મેળવવાની જરૂરિયાત હતી. આ કારણોએ રિમાન્ડ મંજૂર કરી, બાદમાં આરોપીને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવ્યો.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ