
- મોરબી રોડ, જકાતનાકાથી શરૂ થયેલી યાત્રા પટેલ સમાજ વાડી, ભાવનગર રોડ ખાતે પૂર્ણ થઈ
રાજકોટ, 19 નવેમ્બર (હિ.સ.) : સરદાર પટેલની 150મી જન્મ જયંતી નિમિત્તે 68 રાજકોટ(પૂર્વ) વિધાનસભા મતવિસ્તારમાં એકતા પદયાત્રા યોજાઈ હતી. આ પદયાત્રાનું પ્રસ્થાન મોરબી રોડ, જકાતનાકાથી મેયર નયના પેઢડિયા, સાંસદ પુરુષોતમ રૂપાલા, ધારાસભ્ય ઉદય કાનગડ અને દર્શિતા શાહની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે સાંસદ પુરુષોતમ રૂપાલાએ શુભેચ્છાઓ પાઠવતાં જણાવ્યું હતું કે, વિકસિત ભારતના સપનાને સાકાર કરવા માટે સૌએ એક બનીને આગળ વધવું પડશે.
અખંડ ભારતના ઘડવૈયા સરદાર પટેલે સમગ્ર ભારતને એક કરીને એકતાનો સંદેશ આપ્યો હતો ત્યારે દરેક નાગરિકે એકતા, અખંડિતતા અને રાષ્ટ્રસેવાના મૂલ્યોને જીવનમાં ઉતારવા જોઈએ.
ધારાસભ્ય ઉદય કાનગડે જણાવ્યું હતું કે, વડાપ્રધાનશ્રીએ વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા 'સ્ટેચ્યૂ ઓફ યુનિટી'ના નિર્માણ થકી સરદાર પટેલને ખરા અર્થમાં શ્રદ્ધાંજલિ આપી છે. વધુમાં તેમણે વિકસિત ભારતના સપનાને સાકાર કરવા સ્વદેશીને પ્રાધાન્ય આપવા પર ભાર મૂક્યો હતો. તેઓએ લોખંડી પુરુષના વિચારોને જન જન સુધી પહોંચાડવા આહ્વાન કર્યું હતું.
મહાનુભાવો દ્વારા સરદાર પટેલની પ્રતિમાને ફૂલહાર પહેરાવી યાત્રાનું પ્રસ્થાન કરાવાયું હતું, મોરબી રોડ જકાતનાકા- ધોળકિયા સ્કૂલ થી થઈને ડી-માર્ટ ચોક (કુવાડવા રોડ) - સેટેલાઈટ ચોક (પેડક રોડ) થી થઈને બાલક હનુમાન ચોક- જલગંગા ચોક( સંતકબીર રોડ) થી થઈને ભાવનગર રોડ કોર્નર - પટેલ વાડી (ભાવનગર રોડ) ખાતે સમાપન કરવામાં આવ્યું હતું. સમાપન વેળાએ સર્વે ઉપસ્થિતોએ સ્વદેશીના શપથ ગ્રહણ કર્યા હતા.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ