
પટણા/શિવહર, નવી દિલ્હી, 3 નવેમ્બર (હિ.સ.). કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સોમવારે શિવહર અને સીતામઢી જિલ્લામાં રાષ્ટ્રીય લોકશાહી જોડાણ (એનડીએ) ના ઉમેદવારોના સમર્થનમાં ચૂંટણી રેલીઓને સંબોધિત કરી, લોકોને તેમના માટે મતદાન કરવા વિનંતી કરી. આ રેલીઓ દરમિયાન, તેમણે રાજ્ય સરકારની જન કલ્યાણકારી યોજનાઓ પર પ્રકાશ પાડ્યો અને વિપક્ષી મહાગઠબંધન પર તીવ્ર નિશાન સાધ્યું.
રેલીને સંબોધતા અમિત શાહે કહ્યું, હું હમણાં જ અહીંથી બિહાર ચૂંટણીના પરિણામો જાહેર કરીશ. 14 નવેમ્બરના રોજ બપોરે 1 વાગ્યા સુધીમાં લાલુ-રાહુલની પાર્ટીનો સફાયો થઈ જશે. બિહારમાં પ્રચંડ બહુમતી સાથે એનડીએ સરકાર રચાઈ રહી છે.
અમિત શાહે કહ્યું, લાલુ યાદવ ઇચ્છે છે કે તેમનો દીકરો મુખ્યમંત્રી બને, અને સોનિયા ગાંધી ઇચ્છે છે કે તેમનો દીકરો પ્રધાનમંત્રી બને. પરંતુ આજે હું બિહારની ધરતી પરથી કહું છું કે લાલુનો દીકરો બિહારનો મુખ્યમંત્રી નહીં બને, અને સોનિયાનો દીકરો દેશનો વડાપ્રધાન નહીં બને. કારણ કે બિહારમાં નીતિશ કુમાર છે, અને દેશમાં મોદી છે.
અમિત શાહે કહ્યું કે, નીતિશ-મોદીની જોડીએ બિહારને જંગલ રાજમાંથી અને દેશને ભાઈ-બહેનોના રાજકારણમાંથી મુક્ત કરાવ્યો છે. એનડીએ નું રાજકારણ સેવા અને વિકાસ વિશે છે, જ્યારે વિપક્ષનું રાજકારણ સ્વાર્થ અને પરિવાર વિશે છે.
મહાગઠબંધન પર કટાક્ષ કરતા અમિત શાહે કહ્યું કે, મહાગઠબંધન પાસે ન તો કોઈ નેતા છે કે ન તો કોઈ નીતિ. આ લોકો પોતે જાણતા નથી કે, કોણ કઈ બેઠક પરથી ચૂંટણી લડી રહ્યું છે. જનતા હવે આવા મેળ ન ખાતા જોડાણોને ઓળખી ગઈ છે, જે ફક્ત સત્તા માટે એક થાય છે અને પછી ચૂંટણી પૂરી થતાં જ એકબીજા પર દોષારોપણ કરવાનું શરૂ કરે છે.
અમિત શાહે જાહેરાત કરી હતી કે, જે દિવસે સીતામઢીમાં દેવી સીતાના મંદિરની પ્રાણપ્રતિષ્ઠા થશે, તે દિવસે સીતામઢીથી અયોધ્યા માટે વંદે ભારત ટ્રેન પણ શરૂ કરવામાં આવશે. અયોધ્યા આવતા લોકો સીતામઢીની પણ મુલાકાત લેશે, અને તેનાથી બિહારના પ્રવાસનને ઘણો ફાયદો થશે.
ગૃહમંત્રી શાહે કહ્યું કે, રાહુલ ગાંધીએ હમણાં જ છઠી મૈયાનું અપમાન કર્યું છે. રાહુલ ગાંધી, મોદીનું અપમાન કરીને, તમે છઠી મૈયાનું અપમાન કર્યું છે. જ્યારે પણ તમે વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું અપમાન કર્યું છે, ત્યારે જનતાએ તમને હરાવીને જવાબ આપ્યો છે. આ વખતે, તમે મોદી સાથે છઠી મૈયાનું પણ અપમાન કર્યું છે. સીતામઢીના લોકોએ આગામી ચૂંટણીઓમાં આ યાદ રાખવું જોઈએ.
અમિત શાહે દાવો કર્યો હતો કે, સંયુક્ત પ્રગતિશીલ ગઠબંધન સરકારના 10 વર્ષના કાર્યકાળ દરમિયાન બિહારને ફક્ત 2 લાખ 80 હજાર કરોડ આપવામાં આવ્યા હતા, જ્યારે એનડીએ સરકારના 11 વર્ષના કાર્યકાળ દરમિયાન, આ રકમ વધીને 18 લાખ 70 હજાર કરોડ થઈ ગઈ છે. કેન્દ્રમાં કોંગ્રેસ સરકારના 10 વર્ષ દરમિયાન, બિહારને ફક્ત 2 લાખ 80 હજાર કરોડ રૂપિયા આપવામાં આવ્યા હતા, જ્યારે મોદી સરકારના 10 વર્ષ દરમિયાન, બિહારને 18 લાખ 70 હાજર કરોડ રૂપિયા ની સહાય મળી છે.
કેન્દ્રીય ગૃહમંત્રીએ જાહેરાત કરી કે, કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ખેડૂતોને આપવામાં આવતી વાર્ષિક રકમ ₹6,000 થી વધારીને ₹9,000 કરવામાં આવશે. દરભંગા, પૂર્ણિયા અને ભાગલપુરના એરપોર્ટને ટૂંક સમયમાં આંતરરાષ્ટ્રીય એરપોર્ટમાં અપગ્રેડ કરવામાં આવશે.
હિન્દુસ્થાન સમાચાર / ગોવિંદ ચૌધરી / ઉદય કુમાર સિંહ
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ