
અમરેલી,4 નવેમ્બર (હિ.સ.) પાક નુકસાનીના ત્વરિત સર્વે અને રોજકામની કામગીરી માટે જિલ્લા ખેતીવાડીની ટીમને બિરદાવતાં ખેડૂતો અને સરપંચખેડૂતોની વેદના અનુભવીને ટૂંકાગાળામાં સર્વેની કામગીરીના આદેશ માટે રાજ્ય સરકારનો આભાર માનતા ખેડૂત અશોક દેવાણી રાજ્યમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોના કૃષિ પાકને થયેલા વ્યાપક નુકસાનની સ્થિતિમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા તાત્કાલિક સર્વે અને પંચ રોજકામ કરવાની સૂચના આપવામાં આવી હતી. જિલ્લા વહીવટી તંત્ર અમરેલી દ્વારા ખેતીવાડી તંત્રના માધ્યમથી જિલ્લામાં ત્વરિત સર્વે અને રોજકામ કામગીરી પૂર્ણ કરતાં ખેડૂતોને વહેલી તકે અને યોગ્ય સહાય મળશે તેવો વિશ્વાસ છે. આ સંવેદનશીલ કામગીરીને પ્રતિકૂળ સંજોગોમાં પણ વહેલીતકે પૂર્ણ કરવા બદલ અમરેલી જિલ્લાના ખેડૂતો અને સરપંચઓએ આવકારી છે.
અમરેલી તાલુકાના નાના ભંડારિયાના ખેડૂત અશોક દેવાણીએ જણાવ્યું હતું કે, કમોસમી વરસાદથી અમારા ગામમાં મગફળી, સોયાબીન, કપાસ સહિતના પાકોને વ્યાપક નુકસાન થયું છે. સરકારે અમારી સ્થિતિ સમજી અને તાત્કાલિક સર્વે કરાવ્યો. અમારા ગ્રામસેવક સહિતની ટીમે ખેતરમાં રુબરુ મુલાકાત કરી અને માહિતી એકત્રિત કરી છે તે બદલ રાજ્ય સરકારનો આભાર. સરકાર અમને યોગ્ય વળતર આપશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
આ અંગે નાના ભંડારિયાના ખેડૂત નરેશભાઈ જણાવે છે કે, કૃષિ પાકને લગભગ 100 ટકાની નુકસાની છે. રાજ્ય સરકાર અમારી વ્હારે આવી છે તેવો અમને વિશ્વાસ છે. સર્વે બાદ અમને તાત્કાલિક સહાયતા મળે તે માટે જરૂરી તમામ વિગતો અહીંથી અધિકારીશ્રીઓ અને ગ્રામ સેવકશ્રીએ મેળવી લીધી છે.
રાજ્ય સરકારના ખેડૂતલક્ષી સંવેદનશીલ નિર્ણયને અમરેલી તાલુકાના પીપળલગના સરપંચ રણજીત વાળએ આવકાર્યો છે. તેમણે જણાવ્યું કે, નુકસાની વિગતો મળતા અમે અમારા ધારાસભ્ય અને રાજ્ય મંત્રી કૌશિક વેકરીયાને સ્થાનિક સ્થિતિની જાણ કરી હતી. તેમણે અમારી તકલીફને સરકાર સુધી પહોંચાડી છે. અમારા ગામમાં ત્વરિત અને તમામ ખેડૂતોનો સર્વે તેમજ રોજકામ થઈ ગયું છે તે બદલ સરકારનો આભાર વ્યક્ત કરીએ છીએ.
પીપળલગ મુકામે ખેતી કરતા કૃષિકારોને મગફળી, સોયાબીન, કપાસના પાકને નુકસાની થઈ છે. જોકે નુકસાનીનો ત્વરિત તાગ મેળવવા માટે થયેલા સર્વેની કામગીરી વિશે ખેડૂતથી સંજયભાઈ ખાણેશાએ જણાવ્યું કે, નુકસાની બાદ સરવેની કામગીરી ત્વરિત કરવામાં આવી છે. આટલો ઝડપી સરવે થયો તેથી જલદી વળતર મળશે તેવો વિશ્વાસ છે.
અમરેલી જિલ્લામાં જિલ્લા વહીવટીતંત્ર દ્વારા 86 ટીમ મેદાનમાં ઉતારી અને 234 કર્મચારીઓ અને 27 અધિકારીઓના માર્ગદર્શનમાં સરવે-રોજકામની કામગીરી જિલ્લાના 626 અસરગ્રસ્ત ગામોમાં કરવામાં આવી છે.
*
હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai