
અમરેલી,4 નવેમ્બર (હિ.સ.) અમરેલી જિલ્લાના સાવરકુંડલામાં આજ રોજ અનોખી રાજકીય ચર્ચા શરૂ થઈ છે. અહીં શહેરના વિવિધ વિસ્તારોમાં સુરત (વરાછા)ના ભાજપના ધારાસભ્ય કુમાર કાનાણીને અભિનંદન પાઠવતા બેનરો લગાવવામાં આવ્યા છે. “જય જવાન જય કિસાન”ના સૂત્ર સાથે લગાવાયેલા આ બેનરોમાં કુમાર કાનાણી દ્વારા ખેડૂતોની વેદના મુખ્યમંત્રી સમક્ષ રજૂ કરીને દેવું માફ કરવાની માંગ માટે લખાયેલા પત્રની પ્રશંસા કરવામાં આવી છે.
આ બેનરો મણિભાઈ ચોક, નાવલી નદી, રાજકાપીઠ રોડ અને પાલિકા કચેરીના ગેટ નજીક લગાવવામાં આવ્યા છે. બેનરોમાં લખાયું છે — “કમોસમી માવઠા અને નુકસાનગ્રસ્ત ખેડૂતોની વેદનાને વાચા આપી દેવું માફી માટે રજૂઆત કરવા બદલ સુરત (વરાછા)ના ધારાસભ્ય કુમાર કાનાણીનો ખૂબ ખૂબ આભાર.”
ખાસ વાત એ છે કે આ બેનરો ખેડૂત પરિવારોના નામે લગાવવામાં આવ્યા હોવાનું જણાય છે. ભાજપના ગઢ ગણાતા સાવરકુંડલામાં સ્થાનિક ધારાસભ્યની જગ્યાએ સુરતના ધારાસભ્યને અભિનંદન આપતા બેનરો લાગતા સ્થાનિક રાજકારણમાં ગરમાવો જોવા મળ્યો છે. અનેક જગ્યાએ લોકોમાં ચર્ચા શરૂ થઈ છે કે સ્થાનિક જનપ્રતિનિધિઓની હાજરીમાં બહારના વિસ્તારના નેતાના બેનરો કેમ લગાવાયા?
કુમાર કાનાણી તાજેતરમાં ગુજરાતના ખેડૂતોના દેવા માફ કરવા અને કમોસમી વરસાદથી પીડિત ખેડૂતોને ન્યાય મળે તે માટે મુખ્યમંત્રીને પત્ર લખી Schlagે આવ્યા હતા. તેમના આ પગલાને ખેડૂતો તરફથી મળતી લોકપ્રિયતા હવે સૌરાષ્ટ્ર સુધી પહોંચી છે, જે આગામી રાજકીય સમીકરણો માટે પણ મહત્વપૂર્ણ સંકેત ગણાઈ રહ્યું છે.
હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai