


અંબાજી,07 નવેમ્બર (હિ.સ.) આદિવાસીઓના ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતિની ઉજવણી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણાથી આ વર્ષે થઈ રહી છે. સ્વાતંત્ર્ય સંગ્રામમાં બિરસા મુંડાની આગેવાનીમાં આદિજાતિઓના ઐતિહાસિક યોગદાનને આજની પેઢી જાણે અને તેમાંથી રાષ્ટ્રનિર્માણની પ્રેરણા મેળવે તેવા ઉદ્દેશ્ય સાથે વડાપ્રધાનના નેતૃત્વમાં આ વર્ષ “જનજાતીય ગૌરવ વર્ષ” તરીકે ઉજવાઈ રહ્યું છે.
ભગવાન બિરસા મુંડાની 150મી જન્મ જયંતિ ઉજવણી નિમિત્તે 1 થી 15 મી નવેમ્બર,2025 દરમિયાન ‘જનજાતીય ગૌરવ વર્ષ મહોત્સવ’ની ઉજવણી અન્વયે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકાર દ્વારા 7 થી 13 નવેમ્બર સુધી રાજ્યના આદિજાતિ વિસ્તારોમાં જનજાતિય ગૌરવ રથ યાત્રા કરશે જેમાં રૂટ નં-1 ઉમરગામથી એકતાનગર સુધી 665 કિમી અને અંબાજીથી એકતાનગર સુધી 613 કિમી એમ કુલ 1378 કિ.મી.માં આદિજાતિ વિસ્તારને આવરી લેતી ‘જનજાતિય ગૌરવ રથ યાત્રા’નું વિશેષ આયોજન કરવામાં આવ્યું છે.યાત્રા દરમિયાન જનજાતીય ગૌરવ રથ જે ગામોમાં જશે ત્યાં લોકો દ્વારા સ્વાગત કરાશે તેમજ રાત્રિરોકાણના સ્થળોએ ભગવાન બિરસા મુંડાના જીવન-કવનના નાટક, નિદર્શન અને કેન્દ્ર-રાજ્ય સરકારની યોજનાકીય માહિતી પણ લોકોને અપાશે. યાત્રાના માધ્યમથી આરોગ્ય તપાસ કેમ્પ, સેવાસેતુ, સામૂહિક સ્વચ્છતા સફાઈ સહિતના અનેક સેવાલક્ષી કાર્યક્રમો જનભાગીદારીથી યાત્રાના રૂટ પરના ગામોમાં યોજાશે. બાળકો, યુવાઓ અને સમગ્ર સમાજ ભગવાન બિરસા મુંડાના જીવન-કવનથી પરિચિત થાય તેવા કાર્યક્રમો પણ આ યાત્રા દરમિયાન થવાના છે.આ ઉપરાંત, ભગવાન બિરસા મુંડાનાં રાષ્ટ્રનિર્માણ માટેના યોગદાન અંગે ચિત્ર અને વક્તૃત્વ સ્પર્ધા, નાટક-ભવાઈ તથા તેમના જીવન પરના વ્યાખ્યાનો, ફિલ્મ નિદર્શન પણ રાજ્ય સરકારના વિભાગો દ્વારા યોજાવાના છે. 14 આદિજાતિ સિવાયના 20 જિલ્લાઓમાં પણ 13 થી 15 નવેમ્બર દરમિયાન જનજાતિય ગૌરવ વર્ષની ઉજવણીના વિવિધ કાર્યક્રમ થવાના છે.મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અંબાજીધામથી આ ગૌરવ યાત્રાને પ્રસ્થાન કરાવતાં એમ પણ કહ્યુ કે, વડાપ્રધાન એ તેમના કાર્યકાળમાં આદિવાસીઓના સર્વાંગી વિકાસને પ્રાથમિકતા આપતા અનેકો કલ્યાણ કાર્યક્રમો સાકાર કર્યા છે. તેમણે ગુજરાતમાં આદિજાતિઓના સામાજિક-આર્થિક ઉત્કર્ષ માટે શરૂ કરાવેલી વનબંધુ કલ્યાણ યોજના રાજ્ય સરકારે 1 લાખ કરોડના પ્રાવધાન સાથે 2025 સુધી લંબાવી છે તેમ પણ મુખ્યમંત્રી ઉમેર્યું હતું.મુખ્યમંત્રી એ પી.એમ. જનમન અભિયાનમાં રાજ્યના આદિમ જૂથોને પ્રધાનમંત્રી આવાસ યોજનાના આવાસો, આદિમ જૂથ વસાહતોમાં મોબાઇલ નેટવર્ક ઉપલબ્ધ કરાવવા 21 મોબાઇલ ટાવર્સ અને ફોર-જી સેવાઓ મળી છે તેની પણ ભૂમિકા આપી હતી.તેમણે આદિકર્મયોગી અભિયાન અન્વયે રાજ્યના 1 લાખ 40 હજારથી વધુ લોકોએ આદિવાસી ગામ વિઝન 2030 તૈયાર કરવામાં સહભાગી થઈને આદિજાતિ ગામોના સર્વાંગી વિકાસનો વિલેજ એક્શન પ્લાન તૈયાર કર્યો છે તેની સરાહના કરી હતી.
મુખ્યમંત્રી એ વડાપ્રધાન નરેન્દ્રભાઈએ આપેલા વિકસિત ભારત 2047માં આ દિવાસીઓના ઉત્થાન અને યોગદાન બેસીને મહત્વપૂર્ણ ગણાવ્યા હતા આ માટે વોકલ ફોર લોકલ દ્વારા વધુ ને વધુ સ્વદેશી વસ્તુઓને અપનાવવા અને સ્થાનિક આદિવાસી હસ્તકલા, કારીગરી, ખાન-પાનને પ્રોત્સાહન આપીને જનજાતિય ગૌરવને ઉજાગર કરવા પણ તેમણે આહવાન કર્યું હતું.આ પ્રસંગે વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે, ભગવાન બિરસા મુંડાજી આદિવાસી સમાજના પ્રેરણાસ્રોત અને આદર્શ વ્યક્તિત્વ રહ્યા છે. તેમણે પોતાના જીવન દ્વારા ધર્મ, સંસ્કૃતિ અને આદિવાસી ઓળખને જાળવી રાખવા અવિરત પ્રયત્નો કર્યા હતા. સમાજમાં રહેલા કુરિવાજો અને અંધશ્રદ્ધાને દૂર કરવા માટે તેમણે જનજાગૃતિ ફેલાવી હતી.અધ્યક્ષ એ જણાવ્યું કે, ભગવાન બિરસા મુંડાએ શિક્ષણના પ્રસાર માટે વિશેષ મહત્વ આપ્યું હતું અને વ્યસનમુક્તિ માટે અભિયાન ચલાવીને સમાજ સુધારાનું કાર્ય કર્યું હતું. તેમણે આશ્રમની સ્થાપના કરીને સમાજને એક નવી દિશા આપી હતી, જે આજની યુવા પેઢી માટે પ્રેરણા આપે છે. ભગવાન બિરસા મુંડાએ અનેક મુશ્કેલીઓ વચ્ચે પણ અગ્રેજ સરકારની દમન નીતિઓ સામે અવાજ ઉઠાવ્યો હતો. તેમના સંઘર્ષમય જીવનમાંથી આપણે રાષ્ટ્રીય એકતા, આત્મસન્માન અને ન્યાય માટે લડવાની પ્રેરણા મેળવી શકીએ છીએ. ભગવાન બિરસા મુંડાનું યોગદાન ભારતના ઈતિહાસમાં અમર રહેશે.
આદિજાતિ વિકાસ, અન્ન - નાગરિક પુરવઠા રાજ્યમંત્રી પૂનમચંદ બરંડાએ જણાવ્યું હતું કે, ભગવાન બિરસા મુંડાજીનું જીવન સંઘર્ષ, સેવા અને સમર્પણનું રહ્યું છે. તેમણે આદિવાસી સમાજને આત્મવિશ્વાસ અને એકતાનું બળ આપ્યું હતું. આજે રાજ્ય સરકાર આદિવાસીઓના સર્વાંગી વિકાસ માટે આદિજાતિ વિસ્તારમાં શિક્ષણ, આરોગ્ય અને રોજગારની તકો વધારવા સતત પ્રયાસરત છે.જનજાતીય ગૌરવ યાત્રાના પ્રારંભ અવસરે રાજ્ય મંત્રી પ્રવીણ માળી, સ્વરૂપજી ઠાકોર, કમલેશ પટેલ, રમેશ કટારા, અગ્રણી રત્નાકરજી, રાજ્યસભાના સાંસદ બાબુભાઈ દેસાઈ, રમીલાબારા, ધારાસભ્ય અનિકેત ઠાકર, આદિજાતિ અગ્ર સચિવ શામીના હુસેન, પૂર્વમંત્રી કુબેર ડિંડોર, હરિભાઈ ચૌધરી, જિલ્લા કલેકટર મિહિર પટેલ, જિલ્લા વિકાસ અધિકારી એમ.જે.દવે, જિલ્લા પોલીસ અધિક્ષક પ્રશાંત સુમ્બે સહિત અધિકારી ઓ, મહાનુભાવો અને બહોળી સંખ્યામાં આદિવાસી સમાજના આગેવાનો અને લોકો ઉપસ્થિત રહ્યા હતા.
હિન્દુસ્થાન સમાચાર / મહેન્દ્રભાઈ લધુરામ અગ્રવાલ