
પાટણ, 10 ડિસેમ્બર (હિ.સ.) રાધનપુર નગરપાલિકાના સફાઈ કર્મચારીઓના લંબિત પ્રશ્નોને લઈને વાલ્મીકિ સમાજે ચીફ ઓફિસરને આવેદનપત્ર આપીને તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગણી કરી છે. સમાજનું કહેવું છે કે અન્ય સમાજના કેટલાક કર્મચારીઓને કોઈ કામગીરી વગર પગાર ચૂકવાતો હોવા છતાં વાલ્મીકિ સમાજના કર્મચારીઓ સાથે અન્યાય થાય છે, જેને લઈને ઉપવાસ આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.
સમસ્ત વાલ્મીકિ સમાજના પ્રદેશ પ્રમુખે ચીફ ઓફિસરને લખેલા પત્રમાં આક્ષેપ કર્યો છે કે 2015માં નિયુક્ત થયેલા અન્ય સમાજના 15 કર્મચારીઓ નિયમિત થયા હોવા છતાં તેઓ 2021થી અત્યાર સુધી સફાઈ કાર્ય કરતા નથી, તેમ છતાં તેમને નિયમિત પગાર મળે છે. આ બાબત સમાજમાં અસંતોષ અને અસમાનતા ઊભી કરે છે.
સમાજે નગરપાલિકાને સાત દિવસની અંદર સફાઈ કર્મચારીઓને નિયમિત કરવાની અને તેમને કામગીરી સોંપવાની માંગ કરી છે. માંગણીઓ ન સ્વીકારાય તો ઉપવાસ આંદોલન શરૂ કરવાની ચેતવણી આપી છે તેમજ ચીફ ઓફિસરને તાત્કાલિક કાર્યવાહી અને સંબંધિત કોન્ટ્રાક્ટરોને સૂચના આપવા વિનંતી કરી છે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ