
પાટણ, 10 ડિસેમ્બર (હિ.સ.)વારાહી કોર્ટએ રોકાણના નામે છેતરપિંડી કરવાના 20 વર્ષ જૂના કેસમાં પ્રફુલ્લકુમાર બાબુલાલ ઠક્કરને IPC કલમ 420 હેઠળ દોષિત ઠેરવી 3 વર્ષની સાદી કેદ અને ₹10,000 દંડની સજા ફટકારી છે. દંડ ન ભરાય તો વધુ બે માસની કેદ ભોગવવાની રહેશે. IPC કલમ 406 હેઠળ તેને નિર્દોષ જાહેર કરવામાં આવ્યો છે.
કોર્ટ મુજબ, આરોપીનો શરૂઆતથી જ ઠગાઈ કરવાનો ઈરાદો સ્પષ્ટ હતો. આરોપીએ પોતાને ફ્યુચર વિઝન કંપની અને એલઆઈસીના એજન્ટ તરીકે ઓળખાવી ડોક્ટર અને અન્ય રોકાણકારોને ઊંચા વળતરની લાલચ આપી હતી.
જુલાઈ 2002માં વારાહી સરકારી દવાખાનામાં ફરજ બજાવતા ડો. રાઘવેન્દ્ર બહાદુરસિંહને આરોપીએ ₹12,000 ના રોકાણ પર ગિફ્ટ અને ₹2.65 લાખના વ્હીકલ વાઉચર આપવાની લાલચ આપી હતી. તેના કહેવા મુજબ રોકાણ કરીને ડોક્ટરે કુલ ₹39,000 આપ્યા હતા.
આરોપીએ અન્ય સાહેદો પાસેથી પણ વિવિધ રકમ ઉઘરાવી કુલ ₹4,14,000 જેટલું મોટુંમોતું રોકાણ કરાવ્યું હતું, પરંતુ બાદમાં કંપની બંધ થઈ ગઈ અને કોઈ વળતર આપ્યું નહોતું. કોર્ટે જણાવ્યું કે રસીદોમાં સહી ન કરીને જવાબદારી ટાળવાનો તેનો પ્રયત્ન તેના ગુનાહિત ઈરાદાને સાબિત કરે છે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ