
પાટણ, 10 ડિસેમ્બર (હિ.સ.)સિદ્ધપુર મૂળની અને હાલ વડોદરા નિવાસી શાહિસ્તા શેખે કચ્છના ભુજમાં યોજાયેલી 44મી માસ્ટર એથલેટિક્સ ચેમ્પિયનશિપમાં 40+ વયજૂથની 100m અને 200m દોડમાં પ્રથમ સ્થાન મેળવી બે સુવર્ણ પદક પોતાના નામે કર્યા. તેમના આ શાનદાર પ્રદર્શનને પગલે હવે તેઓ ઓલ ઇન્ડિયા માસ્ટર એથલેટિક્સ ચેમ્પિયનશિપમાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કરશે.
માસ્ટર એથલેટિક્સ એસોસિએશન ઓફ ગુજરાત (MAAG) દ્વારા કચ્છ ભુજ માધાપર સર્વોદય સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે આ ચેમ્પિયનશિપનું આયોજન કરવામાં આવ્યું હતું. શાહિસ્તા શેખે પોતાની શ્રેષ્ઠ કૌશલ્ય અને દોડ પ્રત્યેની પ્રતિબદ્ધતાથી સિદ્ધપુર અને વડોદરાનું ગૌરવ વધાર્યું.
શાહિસ્તા શેખ સિદ્ધપુરના ક્રિકેટ કોચ સરફરાઝ જાલોરીની બહેન છે અને તેમને રમત ક્ષેત્રે માર્ગદર્શન પણ તેમની પાસેથી મળે છે. આવનાર રાષ્ટ્રીય ઓલ ઇન્ડિયા માસ્ટર એથલેટિક્સ ચેમ્પિયનશિપ 28 જાન્યુઆરીથી 1 ફેબ્રુઆરી દરમિયાન કેરળના ત્રિવેન્દ્રમમાં યોજાશે, જ્યાં તેઓ ગુજરાતનું પ્રતિનિધિત્વ કરશે. વિજેતા ખેલાડીઓને એશિયન ઇન્ટરનેશનલ મેડલિસ્ટ જે.જે. જુનેજાએ સન્માનિત કર્યા હતા અને MAAGના અધિકારીઓએ તેમને શુભેચ્છાઓ પાઠવી હતી.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ