
નવી દિલ્હી, 13 ડિસેમ્બર (હિ.સ.). પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ, 2025 ની કેરળ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં તિરુવનંતપુરમ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ભાજપની ઐતિહાસિક જીતનું સ્વાગત કર્યું, તેને કેરળના રાજકારણમાં ટર્નિંગ પોઈન્ટ ગણાવ્યું. પહેલી વાર, ભાજપે તિરુવનંતપુરમ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સત્તા મેળવી છે, જેને રાજ્યના રાજકીય પરિદૃશ્યમાં એક મોટી સિદ્ધિ માનવામાં આવી રહી છે.
શનિવારે એક્સ પર એક પોસ્ટમાં, પ્રધાનમંત્રીએ કહ્યું, આભાર તિરુવનંતપુરમ ! તિરુવનંતપુરમ કોર્પોરેશનમાં ભાજપ-એનડીએને મળેલો જનાદેશ કેરળના રાજકારણમાં એક નિર્ણાયક વળાંક છે. લોકોને વિશ્વાસ છે કે, ફક્ત અમારી પાર્ટી જ રાજ્યની વિકાસની આકાંક્ષાઓ પૂર્ણ કરી શકે છે. અમારી પાર્ટી, આ જીવંત શહેરના વિકાસ માટે કામ કરશે અને લોકોના જીવનની સરળતામાં સુધારો કરશે.
પ્રધાનમંત્રીએ પાર્ટીના કાર્યકરોની ભૂમિકાની પણ પ્રશંસા કરી. તેમણે કહ્યું, હું ભાજપના તમામ મહેનતુ કાર્યકરોનો આભાર માનું છું, જેમણે લોકો વચ્ચે કામ કર્યું અને આ ઉત્તમ પરિણામ સુનિશ્ચિત કર્યું. આજનો દિવસ એ કાર્યકરોના કાર્ય અને યોગદાનને યાદ કરવાનો છે, જેઓ પેઢીઓથી કેરળમાં પાયાના સ્તરે લડી રહ્યા છે, જેના કારણે આ ઐતિહાસિક પરિણામ શક્ય બન્યું છે. અમારા કાર્યકરો અમારી તાકાત છે અને અમને તેમના પર ગર્વ છે.
પ્રધાનમંત્રીએ મતદારોનો આભાર માનતા કહ્યું કે તેઓ કેરળમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપ અને એનડીએ ઉમેદવારોને આપેલા સમર્થન બદલ આભારી છે. તેમણે કહ્યું કે, કેરળના લોકો યુડીએફ અને એલડીએફ થી કંટાળી ગયા છે અને એનડીએ ને 'વિકસિત કેરળ' બનાવવા માટે એકમાત્ર વિકલ્પ તરીકે જુએ છે, જેમાં સુશાસન અને બધા માટે તકો ઉપલબ્ધ છે.
હિન્દુસ્થાન સમાચાર / સુશીલ કુમાર / પવન કુમાર
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ