
- નર્મદા જિલ્લાના 278 NCC કેડેટ્સને ‘રાહવીર’ યોજના અંગે માહિતગાર કરાયા
રાજપીપલા25 ડિસેમ્બર (હિ.સ.) નાંદોદના જીતનગર ખાતે આયોજિત NCC કેમ્પમાં નર્મદા જિલ્લાના NCC ના કુલ 278 વિદ્યાર્થી કેડેટ્સ માટે ટ્રાફિક જાગૃતિ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ સેમિનારમાં નાયબ પોલીસ અધિક્ષક (મુખ્ય મથક) નર્મદા, પી.આર.પટેલ તેમજ જિલ્લા ટ્રાફિક શાખાના અધિકારી અને સ્ટાફ દ્વારા કેડેટ્સને માર્ગ સલામતીના નિયમો અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી.
સાથે સાથે માર્ગ અકસ્માતના સમયે સામાન્ય નાગરિકોની ભૂમિકા શું હોઈ શકે, તે અંગેની ‘રાહવીર યોજના’ વિશે પણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
સેમિનાર દરમિયાન ટ્રાફિક નિયમોનું પાલન, હેલ્મેટ અને સીટબેલ્ટનો ઉપયોગ, ઝડપ નિયંત્રણ, માર્ગ અકસ્માત સમયે તાત્કાલિક સહાય અને કાયદાકીય જવાબદારીઓ અંગે કેડેટ્સને સમજાવવામાં આવ્યું. ‘રાહવીર યોજના’ અંતર્ગત અકસ્માતગ્રસ્ત વ્યક્તિને સમયસર મદદ કરનાર નાગરિકોને સરકાર દ્વારા આપવામાં આવતી પ્રોત્સાહક સહાય અંગે પણ માહિતી આપવામાં આવી હતી.
કાર્યક્રમના અંતે કેડેટ્સને માર્ગ સલામતી અંગે જાગૃત બની પોતે નિયમોનું પાલન કરવા તથા સમાજમાં પણ જાગૃતિ ફેલાવવાની અપીલ કરવામાં આવી. NCC કેડેટ્સે પણ ઉત્સાહપૂર્વક સેમિનારમાં ભાગ લઈ માર્ગ સલામતી માટે સૌઅ પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ