નવી દિલ્હી, 23 ફેબ્રુઆરી (હિ.સ.). ચેમ્પિયન્સ ટ્રોફી 2025 ના ગ્રુપ સ્ટેજની સૌથી મોટી મેચ રવિવારે દુબઈના ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાશે. ટુર્નામેન્ટમાં બંને ટીમોની આ બીજી મેચ છે. ભારતે પહેલી મેચમાં બાંગ્લાદેશને હરાવ્યું હતું. જ્યારે, પાકિસ્તાન પહેલી મેચમાં ન્યુઝીલેન્ડ સામે હારી ગયું હતું.
જો પાકિસ્તાન આજે હારી જાય, તો તેનું નોકઆઉટ સ્ટેજમાંથી બહાર થવાનું જોખમ રહેલું છે. આ મેચને લઈને બંને દેશોના ક્રિકેટ ચાહકોમાં ભારે ઉત્સાહ છે. મેચ માટે ટોસ રવિવારે બપોરે 2 વાગ્યે ઉછળશે અને મેચ બપોરે 2:30 વાગ્યે શરૂ થશે.
ઉલ્લેખનીય છે કે, ભારત અને પાકિસ્તાન વચ્ચે અત્યાર સુધીમાં 135 વનડે મેચ રમાઈ છે. જેમાં પાકિસ્તાને 73 મેચ જીતી હતી, જ્યારે ટીમ ઈન્ડિયાએ 57 મેચ જીતી હતી. 5 મેચમાં કોઈ પરિણામ આવ્યું નથી.
ચેમ્પિયન્સ ટ્રોફીમાં બંને ટીમો 5 વખત એકબીજા સામે ટકરાઈ હતી. આમાં પાકિસ્તાન 3 વખત અને ભારત 2 વખત જીત્યું છે. આમાં પાછલી ફાઇનલનો પણ સમાવેશ થાય છે, જેમાં પાકિસ્તાન જીત્યું હતું. 2017 માં છેલ્લી ચેમ્પિયન્સ ટ્રોફીમાં, ભારત અને પાકિસ્તાનની ટીમો બે વાર ટકરાઈ હતી. ભારતે ગ્રુપ સ્ટેજમાં જીત મેળવી હતી, જ્યારે ફાઇનલમાં પાકિસ્તાને ભારતને 180 રનથી હરાવ્યું હતું.
હિન્દુસ્થાન સમાચાર / સંજીવ પાશ
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ