નવી દિલ્હી, 23 ફેબ્રુઆરી (હિ.સ.) શનિવારે સવારે તેલંગાણાના નાગરકુર્નૂલ જિલ્લામાં એસએલબીસી (શ્રીશૈલમ લેફ્ટ બેંક કેનાલ) ટનલ પ્રોજેક્ટનો એક ભાગ તૂટી પડ્યો, જેમાં આઠ કામદારો ફસાયા. કામદારોને બહાર કાઢવા માટે બચાવ કામગીરી રવિવારે પણ ચાલુ રહી. જોકે, સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (એસડીઆરએફ) અને નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (એનડીઆરએફ) ની ટીમોને ટનલના તૂટી ગયેલા ભાગ સુધી પહોંચવામાં ગંભીર પડકારોનો સામનો કરવો પડી રહ્યો છે.
તેલંગાણાના સિંચાઈ મંત્રી એન. ઉત્તમ કુમાર રેડ્ડીના જણાવ્યા મુજબ, રાજ્ય સરકાર નિષ્ણાતોની મદદ લઈ રહી છે, જેમાં ગયા વર્ષે ઉત્તરાખંડમાં આવી જ ઘટનામાં ફસાયેલા કામદારોને બચાવનારાઓનો પણ સમાવેશ થાય છે.
ફસાયેલા લોકોમાં બે એન્જિનિયર અને બે ઓપરેટરનો સમાવેશ થાય છે. બીજા ચાર મજૂરો છે. તે બધા ઉત્તર પ્રદેશ, ઝારખંડ, પંજાબ અને જમ્મુ અને કાશ્મીરના રહેવાસી છે.
ગઈકાલે, ઘટનાના થોડા કલાકો પછી વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ, તેલંગાણાના મુખ્યમંત્રી એ રેવંત રેડ્ડી સાથે બચાવ પ્રયાસો વિશે વાત કરી. પ્રધાનમંત્રીએ, મુખ્યમંત્રીને બચાવ કામગીરીમાં કેન્દ્ર સરકાર તરફથી સંપૂર્ણ સહયોગની ખાતરી આપી.
હિન્દુસ્થાન સમાચાર / સંજીવ પાશ
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ