ગાંધીનગર, 5 ફેબ્રુઆરી (હિ.સ.)
ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા 05 ફેબ્રુઆરી થી 09 ફેબ્રુઆરી દરમિયાન આઇ.આઇ.ટી ક્રિકેટ ગ્રાઉન્ડ, પાલજ ખાતે ‘ગુજરાત મ્યુનિસિપલ કોર્પોરેશન્સ ક્રિકેટ ટુર્નામેન્ટ 2025નું ભવ્ય આયોજન કરવામાં આવ્યુ છે. જેમાં ગુજરાત રાજ્યના વિવિધ 8 મ્યુનિસિપલ કોર્પોરેશન્સની ટીમો વચ્ચે ક્રિકેટ ટુર્નામેંટ યોજાશે.
આ ટુર્નામેંટની શરૂઆત આવતીકાલે રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમ દ્વારા કરવામાં આવશે. આ કાર્યક્રમમાં વિવિધ ટીમો દ્વારા માર્ચ પાસ્ટ કરવામાં આવશે. આ સાથે જ સાંસ્કૃતિક કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવેલ છે.
આ ક્રિકેટ ટુર્નામેંટમાં 6 કોર્પોરેશનની મેયર ટીમો તથા 8 કોર્પોરેશનની કમિશનરની ટીમો મળીને કુલ 14 જેટલી ટીમો ભાગ લેશે. આ ઉપરાંત મહિલા પદાધિકારીશ્રીઓ માટે ખાસ બોક્ષ ક્રિકેટ ટુર્નામેંટનું પણ આયોજન કરવામાં આવેલ છે.
આ ટુર્નામેન્ટની ઓપનિંગ સેરેમની આજે 05 ફેબ્રુઆરી 2025 રાખવામાં આવેલ છે. ટુર્નામેન્ટની ઓપનિંગ સેરેમનીમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીની વિશેષ ઉપસ્થિતમાં તથા ગાંધીનગર મહાનગરપાલિકાના મેયર મીરાપટેલ, ડે. મેયર નટવરજી ઠાકોર, સ્ટે. કમિટી ચેરમેન ગૌરાંગ વ્યાસ, શાસક પક્ષના નેતા અનિલસિંહ વાઘેલા, દંડક સેજલ પરમાર તેમજ આઠેય મહાનગરપાલિકાના પદાધિકારીઓ તેમજ ટીમો ઉપસ્થિત રહેશે.
હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ