પોરબંદર, 13 માર્ચ (હિ.સ.) ઘી પોરબંદર યુવા ડિસ્ટ્રીક્ટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝ દ્વારા આયોજીત વ્યવસાય અને જીવનને વધુ સ્માર્ટ બનાવવા એ.આઈ. નો ઉપયોગ વિષય ઉપર એક વિશેષ સેમીનારનું આયોજન ડિસ્ટ્રીક્ટ ચેમ્બરના તુલસીદાસ જેઠાલાલ હાથી વ્યાપાર ઉદ્યોગ સદન અને રાયચુરા-પલાણ હોલમાં કરવામાં આવેલ હતું.આ કાર્યક્રમમાં શહેરના ઉદ્યોગપતિઓ વ્યાપારીઓ અને વિવિધ સંસ્થાના આગેવાનો ઉપરાંત ખાસ આમંત્રિત તરીકે પોરબંદર વિસ્તારના ધારાસભ્ય અર્જુન મોઢવાડીયા, ડી.વાય.એસ.પી. ઋતુ રાબા પણ ખાસ ઉપસ્થિત રહયાં હતા. સેમીનારનો પ્રારંભ યુવા ડિસ્ટ્રીક્ટ ચેમ્બરના પ્રમુખ સુમિત સલેટના સ્વાગત પ્રવચનથી કરવામાં આવ્યો હતો.તેઓએ ઉપસ્થિત તમામ શ્રોતાઓને અંતરના ઉમળકા સાથે આવકાર્યા ત્યાર બાદ ઉપસ્થિત મહાનુભાવો ધારાસભ્ય અર્જુન મોઢવાડીયાને યુવા પ્રમુખ સુમિત સલેટ, ડી.વાય.એસ.પી. ઋતુ રાબાને ડિસ્ટ્રીકટ ચેમ્બરના પુર્વ પ્રમુખ અનિલ કારીયા, સામત ઓડેદરાને ડિસ્ટ્રીકટ ચેમ્બરના ઉપપ્રમુખથી ટી.કે.કારીયા અને કાર્યક્રમના વકતા સી.એ. હિરેન નંદાનું યુવા ચેમ્બરના સિધ્ધાર્થ પત્તાણીએ સુતરની આંટીથી સ્વાગત કર્યું. પ્રાસંગીક પ્રવચનમાં ધારાસભ્ય અર્જુનમોઢવાડિયાએ મહિલા દિનની શુભેચ્છા સાથે શરૂ કરેલ પ્રવચનમાં જણાવ્યુ કે, તેઓ પણ થોડા સમયથી એ.આઈ.નો ઉપયોગ કરે છે. ડી.વાય.એસ.પી. ઋતુ રાબાએ તેમના વક્તવ્યમાં મહિલા દિનની શુભેચ્છાઓ પાઠવી હતી. ડિસ્ટ્રીક્ટ ચેમ્બરના પ્રમુખ જતીન હાથીએ પ્રસંગિક પ્રવચનમાં સ્ત્રીઓ કુદરતી રીતે એ.આઈ. તરીકે ભગવાનનું ઉત્કૃષ્ઠ સર્જન ગણાવાયું હતું અને કાર્યક્રમના વકતાનો વિસ્તૃત પરિચય ડિસ્ટ્રીક્ટ ચેમ્બરના મંત્રી જયેશભાઈ પતાણીએ આપ્યો હતો. કાર્યક્રમની આગળની બાગડોર સેમીનારના વકતા સી.એ. હિરેન નંદાએ સંભાળી આર્ટિફિશિયલ ઈન્ટેલીજન્સના વિવિધ ઉપયોગો પર માર્ગદર્શન આપ્યુ. તેઓએ એ.આઈ. ના માધ્યમથી વ્યવસાય અને દૈનિક જીવનમાં કેવી રીતે નવિનતા લાવી શકાય સમય અને ખર્ચની બચત સાથે પ્રગતિ સાધી શકાય, તે અંગે વિશેષ માર્ગદર્શન આપ્યું હતું. તેઓની પ્રેરણાદાયી શૈલી અને વિગતોથી ભરપુર રજુઆતોને થોતાઓએ ખૂબજ ઉતમ પ્રતિસાદ આપ્યો. આ ઉપરાંત શ્રોતાઓએ એ.આઈ. સબંધી પુછેલા પ્રશ્નોના અનુભવ અને ઉદાહરણ દ્વારા વિસ્તૃત સમજૂતિ આપી હતી. વ્યવસાય ક્ષેત્રે ટેકનોલોજીના વધતા પ્રભાવ અને એ. આઈ.ની ભવિષ્યમાં સંભાવનાઓ અંગે પણ ચર્ચા કરતા તેઓએ જણાવ્યુ કે, કુદકે ને ભુસકે વધી રહેલ ટેકનોલોજીનો ઉપયોગ જો આપણે નહી કરીએ તો ખૂબ પાછળ રહી જશુ. આજથી પાંચ-સાત વર્ષ પછી એ. આઈ. ટેકનોલોજીનોજ યુગ હશે તેથી તેની સાથે આજથીજ કદમથી કદમ મીલાવી નહી ચાલીએ તો આપણા આધાર ઉદ્યોગોએ તેની માઠી અસરો ભોગવી પડશે. કાર્યક્રમના અંતે ડિસ્ટ્રીક્ટ ચેમ્બરના ઉપ પ્રમુખ મુકેશ ઠકકરએ કાર્યક્રમમાં પોતાનો કિંમતી સમય ફાળવી ઉપસ્થિત રહેવા બદલ સહુ પ્રત્યે આભારની લાગણી વ્યકત કરી. કાર્યક્રમનું સફળ સંચાલન હાર્દિકમોનાણી તથા જયેશ પત્તાણીએ કર્યું હતું.
હિન્દુસ્થાન સમાચાર / Tejas pravinbhai dholariya