નવી દિલ્હી, 13 માર્ચ (હિ.સ). ભારતીય અવકાશ સંશોધન સંગઠન (ઇસરો) એ, વધુ એક મોટી સિદ્ધિ હાંસલ કરી છે. ઈસરો એ સ્પેડેકસ મિશનમાં અનડોકિંગ સફળતાપૂર્વક પૂર્ણ કર્યું છે. ગુરુવારે, ઇસરોએ એક્સ પર ચિત્રો જાહેર કરીને આ માહિતી આપી છે.
ઉલ્લેખનીય છે કે, મિશન લોન્ચ થયા પછી, ઇસરોએ અવકાશમાં બે અલગ અલગ ઉપગ્રહોને જોડીને ઇતિહાસ રચ્યો હતો. આ બે એકબીજા સાથે જોડાયેલા ઉપગ્રહો આજે ફરી સફળતાપૂર્વક અલગ થઈ ગયા. અવકાશમાં બે અલગ અલગ ઉપગ્રહોને જોડવા અને અલગ કરવાના આવા વધુ પ્રયોગો થશે. આજની સફળતા ભવિષ્યના ઊંડા અવકાશ મિશન અને સ્વદેશી અવકાશ સ્ટેશનની સ્થાપના તરફ એક મહત્વપૂર્ણ પગલું છે.
કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહે, આ સિદ્ધિ બદલ ઈસરો ટીમને અભિનંદન પાઠવ્યા. તેમણે કહ્યું કે, આ દરેક ભારતીય માટે ખુશીની વાત છે. સ્પેડેક્સ ઉપગ્રહોએ એક અદ્ભુત ડી-ડોકિંગ સિદ્ધ કર્યું. આનાથી ભારતીય અવકાશ મથક, ચંદ્રયાન 4 અને ગગનયાન સહિતના મહત્વાકાંક્ષી ભવિષ્યના મિશનના સરળ સંચાલનનો માર્ગ મોકળો થયો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સતત સમર્થનથી ઉત્સાહ જળવાઈ રહે છે. સ્પેડેકસ મિશનનો મુખ્ય ઉદ્દેશ્ય બે નાના અવકાશયાન (એસડીએક્સ 01, જેને ચેઝર કહેવામાં આવે છે, અને એસડીએક્સ 02, જેને ટાર્ગેટ કહેવામાં આવે છે) ને નીચા પૃથ્વી ગોળાકાર ભ્રમણકક્ષામાં મળવા, ડોક કરવા અને અનડોક કરવા માટે જરૂરી ટેકનોલોજી વિકસાવવા અને તેનું પ્રદર્શન કરવાનો છે. ગૌણ ઉદ્દેશ્યોમાં ડોક કરેલા અવકાશયાન વચ્ચે વિદ્યુત શક્તિ ટ્રાન્સફરનું પ્રદર્શન શામેલ છે, જે અવકાશ રોબોટિક્સ જેવા ભવિષ્યના કાર્યક્રમો માટે જરૂરી છે.
હિન્દુસ્થાન સમાચાર / વિજયાલક્ષ્મી / દધીબલ યાદવ
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ