નવી દિલ્હી, 17 માર્ચ (હિ.સ.). સોમવારે રાષ્ટ્રપતિ ભવનમાં ન્યુઝીલેન્ડના પ્રધાનમંત્રી ક્રિસ્ટોફર લક્સન, રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને મળ્યા. રાષ્ટ્રપતિ ભવનમાં પ્રધાનમંત્રી લક્સન અને તેમના પ્રતિનિધિમંડળનું સ્વાગત કરતા રાષ્ટ્રપતિએ કહ્યું કે, ભારત અને ન્યુઝીલેન્ડ ગાઢ અને મૈત્રીપૂર્ણ સંબંધો છે. આ લોકશાહી, કાયદાના શાસન અને લોકો વચ્ચેના મજબૂત સંબંધોમાં રહેલા સહિયારા મૂલ્યો પર આધારિત છે.
રાષ્ટ્રપતિએ, ગયા વર્ષે ઓગસ્ટમાં ન્યૂઝીલેન્ડની તેમની રાજકીય મુલાકાતને યાદ કરી અને કહ્યું કે, ન્યૂઝીલેન્ડની કુદરતી સુંદરતા અને તેના લોકોની સાંસ્કૃતિક વિવિધતાએ તેમના પર અમીટ છાપ છોડી છે.
તેમણે કહ્યું કે, શૈક્ષણિક આદાન-પ્રદાન ભારત-ન્યુઝીલેન્ડ સંબંધોનું એક મહત્વપૂર્ણ પાસું છે. તેમણે સંસ્થાકીય આદાનપ્રદાન, ભારતમાં ન્યુઝીલેન્ડની યુનિવર્સિટીઓ દ્વારા કેમ્પસ સ્થાપવા અને બેવડી ડિગ્રી દ્વારા બંને દેશો વચ્ચે શૈક્ષણિક સહયોગ વધારવાની અપાર સંભાવનાઓ પર પ્રકાશ પાડ્યો. રાષ્ટ્રપતિએ, ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે દ્વિપક્ષીય વેપાર અને આર્થિક સંબંધોમાં વૃદ્ધિ પર પણ સંતોષ વ્યક્ત કર્યો. આમાં કસ્ટમ્સ, બાગાયત, વનીકરણ, આપત્તિ વ્યવસ્થાપન અને પરંપરાગત દવાના ક્ષેત્રોમાં સહયોગ માટે નવી તકોનો સમાવેશ થાય છે.
રાષ્ટ્રપતિએ ન્યુઝીલેન્ડની પ્રગતિમાં પ્રતિભાશાળી અને મહેનતુ ભારતીય સમુદાયના મહત્વપૂર્ણ યોગદાનની પ્રશંસા કરી. બંને નેતાઓ સંમત થયા કે ઓગસ્ટ 2024માં રાષ્ટ્રપતિની ન્યૂઝીલેન્ડની ઐતિહાસિક રાજકીય મુલાકાત અને આજે પ્રધાનમંત્રી લક્સનની મુલાકાત દરમિયાન જાહેર કરાયેલા મહત્વપૂર્ણ પરિણામો ભારત-ન્યૂઝીલેન્ડ ભાગીદારીને સકારાત્મક ગતિ આપશે.
હિન્દુસ્થાન સમાચાર / સુશીલ કુમાર / પ્રભાત મિશ્રા / દધીબલ યાદવ
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ